સર્જક ધ્રુવ ભટ્ટ :
74મા જન્મદિવસે તેમનું એક શબ્દ ચિત્ર
એવા કયા સર્જક છે જેણે ગુજરાતને દરિયા અને નદીનો જીવન સાથે જોડતો ગહન સંબંધ બતાવ્યો ?
એ સર્જકનું નામ છે ધ્રુવ ભટ્ટ. પોતાના પરિવાર સાથે અત્યારે કરમસદ (મધ્ય ગુજરાત)માં વસતા ધ્રુવભાઈએ આજે 74મા વર્ષમાં પ્રવેશ કર્યો.
તેમનો જન્મ આઠમી મે, 1947ના રોજ ભાવનગર ( બોટોદ ) જિલ્લાના નીંગાળા નામના ગામમાં થયો હતો. માતાનું નામ હરિવ્રતાબહેન અને પિતાનું નામ પ્રબોધરાય ભટ્ટ. પિતા સરકારી નોકરી કરતા. તેઓ મહેસૂલ વિભાગમાં હતા. ધ્રુવભાઈ ત્રણ ભાઈઓ અને પાંચ બહેનો.
પિતાની બદલી થયા કરતી. ધ્રુવભાઈ એકથી ચાર ધોરણ સુધી જાફરાબાદમાં ભણ્યા. કેશોદમાં મેટ્રિક થયા. (એ વખતે 11મું ધોરણ મેટ્રિક કહેવાતું.) કોલેજનું પહેલું વર્ષ વલ્લભ વિદ્યાનગરમાં કર્યું અને બીજું વર્ષ અમદાવાદની સહજાનંદ કોલેજમાં કર્યું. ધ્રુવભાઈ અગિયારમા ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી તેઓ 11 ગામમાં રહ્યા હતા.
જોકે વાત એવી છે કે ધ્રુવભાઈને પહેલેથી જ ભણવાનું ગમ્યું નહીં એટલે તેમને ક્યારેય ભણતર ચડ્યું જ નહીં. ક્યારેક તો ટીંગાટોળી કરીને તેમને શાળાએ લઈ જવા પડતા. વિધિસરના ભણતરથી બચ્યા, છેટા રહ્યા કે તેને પોતાના પર પ્રભાવી ના થવા દીધુ એટલે અંદરનું અસલપણું-માૈલિકતા કે અલગારીપણું અકબંધ રહ્યું અને ભારતીય સાહિત્ય અને ગુજરાતી ભાષાને એક મૂર્ધન્ય સર્જક મળ્યા.
ધ્રુવભાઈ બી.કોમ.ના બીજા વર્ષ સુધી ભણ્યા છે. વાણિજ્યના બીજા વર્ષની પરીક્ષા આપતા હતા અને સુપરવાઈઝર બહેને ટોણો માર્યો કે જવાબો તો આવડે છે ને ! કોલેજમાં તેમની છાપ રખડું વિદ્યાર્થીની હતી તેના અનુસંધાનમાં આ ટોણો મરાયો હતો. ધ્રુવભાઈને ગુસ્સો આવ્યો, તેમણે ઉત્તરવહીનો ડૂચો કર્યો અને સુપરવાઈઝર બહેનના હાથમાં આપીને કહ્યું, લો, આ ઉત્તરવહી.
તે દિ'ની ઘડી અને આજનો દા'ડો. વિધિસરનું શિક્ષણ ત્યાં પૂર્ણ થયું.
પછી ? પછી નોકરીની શોધ, બીજું શું ?
ધ્રુવભાઈએ જેમ જાતભાતનાં ગામનાં પાણી પીધાં છે તેમ અનેક નોકરીનો અનુભવ પણ કર્યો છે.
તેમણે અમદાવાદમાં ભારતીય વિદ્યાભવનમાં એસોસિએટ એડવર્ટાઈઝિંગ વિભાગમાં સેલ્સમેન તરીકે કામ કર્યું તો આઈઆઈએમ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) અમદાવાદની સહકારી મંડળીની દુકાનમાં ગુમાસ્તા તરીકે પણ કામ કર્યું છે. ચીજ-વસ્તુઓ જોખી જોખીને તેઓ સભ્યોને આપતા. એ વખતે આઈઆઈએમના વિદ્યાર્થીઓ-કર્મચારીઓને તો કલ્પના પણ નહીં હોય કે તેઓ જેમની પાસેથી વસ્તુઓ લઈ રહ્યા છે તે ગુજરાતી ભાષાના સમર્થ સર્જક થવાના છે. ધ્રુવભાઈએ એસ.ટી.નિગમમાં ક્લાર્ક તરીકે પણ ફરજ બજાવી છે.
તેમનામાં સહેજે દુનિયાદારી નહીં. લોકો વિચારીને-ગણતરી કરીને- માપી-તોલીને જીવે, આ તો રમતા રામ. અલગારી માણસ. તેમણે એસ.ટી. નિગમની નોકરી છોડી ત્યારે તેમનું લગ્ન થઈ ગયેલું હતું. ભલે લગ્નના ખીલે બંધાયેલા હતા, પણ તેમના જીવનને બાંધી શકે તેવો કોઈ ખીલો હતો જ નહીં.
મુક્ત રીતે જીવનારા આ જણને એક મિત્ર નોકરી માટે વલ્લભ વિદ્યાનગર લઈ ગયો. કોલેજના બીજા વર્ષની પરીક્ષા ના આપનારા યુવાનને નોકરી કેવી રીતે મળે ? જોકે ધ્રુવભાઈમાં માૈલિકતા અને આત્મ વિશ્વાસ જબરજસ્ત. નોકરી આપનારે કહ્યું કે બીજું બધું તો ઠીક પણ તમને અંગ્રેજી ઓછું ફાવે છે.. ધ્રુવભાઈ બોલ્યા કે એમ તો મને રશિયન બાષા બિલકુલ નથી આવડતી. તેમનો આવો (અજબ) જવાબ સાંભળીને પેલાએ કહ્યું કે કાલથી કામ પર આવી જજો. એ નોકરી તેમણે 23 વર્ષ કરી. 51મા વર્ષે તો સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ ગયા. જ્યાં નોકરી કરી ત્યાં ટોચ પર પહોંચેલા અને અનિવાર્ય બની ગયેલા. બધુ શીખી લેતા.
જાણીતા કેળવણીકાર મનસુખભાઈ ચોટલિયા અને ધ્રુવભાઈ મળીને જ્યાં સાચા અર્થમાં કેળવણી હોય તેવી નિશાળ કરવા માગતા હતા. તેમણે પીંડવળ (ધરમપુર) કાંતિ શાહને પત્ર લખ્યો. કાંતિભાઈ કહે કે નવું કરવાને બદલે અમારી સાથે જોડાઓ અને જે પ્રયોગો કરવા હોય તે કરો. એ પછી તો ધ્રુવભાઈ ત્યાં શિક્ષક કે વિદ્યાર્થી કે (જીવન) સાધક તરીકે બે વર્ષ રહ્યા.
એ પછી તો સાસણ ગીરમાં રહ્યા. આદિવાસીઓ વચ્ચે રહ્યા અને દરિયાનો સાથ તો કાયમનો જ.
હવે આમાં સાહિત્ય ક્યાંથી આવ્યું તે જોઈએ.
એક વાર બે વિદ્યાર્થીઓ ઝગડતા હતા. ધ્રુવભાઈએ તેમને કહ્યું કે ગુસ્સો ના કરો. તેમાંથી એક યુવકે પૂછ્યું, તો શું કરીએ ?
એના જવાબમાં ધ્રુવભાઈએ યુવાનો માટે પ્રવૃત્તિઓ શરૂ કરી. તેઓ યુવાનો માટે પ્રકૃતિના શિબિરો કરાવતા થયા.
આવા એક દરિયાઈ શિબિરમાં તેમને અનેક અનુભવો થયા. એક માજીને અમાવાસ્યાનું દરિયામાં સ્નાન કરવું હતું. ખૂબ જ ઉંમરલાયક હતાં તેથી દરિયા કાંઠે ધ્રુવભાઈ તેમના માટે દરિયામાંથી પાણીની ડોલ ભરીને લાવ્યા.. માજી બોલ્યો.. દરિયો કંઈ ડોલમાં આવતો હશે ! ધ્રુવભાઈ માજીની વાત સાંભળીને, દરિયા સાથેના તેમના અંતરંગ સંબંધને જાણીને હચમચી ગયા. એ હતું સમુદ્રાન્તિકેનું બીજ.
તેમણે એક લખાણ લખ્યું અને તેનું પુસ્તક થયું. લેખકે કહ્યું કે સાહિત્યનું આ કયું સ્વરૂપ છે તેની મને ખબર નથી. એ પુસ્તકનું નામ સમુદ્રાન્તિકે.(1993) આ પુસ્તકથી તેઓ ગુજરાતી સાહિત્યમાં છવાઈ ગયા. ગુજરાતી સાહિત્ય પરિષદે તેને ગ્રામીણ નવલકથા વિભાગમાં ઈનામ આપ્યું તો ગુજરાત સાહિત્ય અકાદમીએ તેને પ્રવાસનું પુસ્તક માનીને પુરસ્કૃત કર્યું.
ગુજરાતને 1700 કિમિ લાંબો દરિયાકિનારો મળ્યો છે. ગુજરાતીની દોલત દરિયાની બદોલત છે. ગુજરાતીમાં સાહસના ગુણની પ્રાણપ્રતિષ્ઠા દરિયાએ કરી છે. ખારવા અને ભાટિયાના 15-16 વર્ષના કિશોરોના ભાલે દરિયાએ ઉછળતાં મોજાંથી તિલક કર્યાં છે. ગુજરાતીઓને આખો વિશ્વનો પરિચય જ દરિયાએ કરાવ્યો છે. ગુજરાતીની સફળતા અને ચપળતામાં દરિયાનો સિંહફાળો છે. ગુણવંતરાય આચાર્યે નવલકથાઓ દ્વારા દરિયાની શક્તિનો ગુજરાતને પરિચય કરાવ્યો તો ધ્રુવ ભટ્ટે ગુજરાતીઓને દરિયાનું હૃદય ખોલીને બતાવ્યું. દરિયાની સંવેદના અને કરુણાનો, જીવન સાથેના તેના લય અને પ્રલયનો સંબંધ આ સર્જકે બતાવ્યો. સમદ્રાન્તિકે કોઈ સાધારણ કૃતિ નથી, એ એક સીમાચિહ્નરૃપ અને અમર કૃતિ છે. દરિયો અને દરિયા સાથે જોડાયેલા લોકો, તેની પ્રકૃતિ, તેની આબોહવા, તેનો અર્થ અને મર્મ આ સર્જકે ખોલી આપ્યાં. દરિયાની ગહનતાને તેઓ ગુજરાતીઓ સમક્ષ લઈ આવ્યા.
1988માં તેમની પાસેથી આપણને પ્રથમ નવલકથા મળીઃ અગ્નિકન્યા. દ્વૌપદીના પાત્ર આધારિત આ નવલકથા સુંદર અને હૃદયસ્પર્શી કથા છે. આ નવલકથામાં વાચકને એક નવા ઉન્મેષ સાથેનો સર્જક મળ્યો. કેટલાક (બની બેઠેલા) વિવેચકો આ નવલકથાને લેખકની નબળી કૃતિ ગણે છે તેની સાથે હું સહેજે સંમત નથી. આ એક ઉત્તમ કૃતિ છે.
તત્ત્વમસિ નવલકથામાં ધ્રુવ ભટ્ટ બરાબરના ખીલ્યા. તેમણે પોતાનું ઉત્તમ તેમાં ઠાલવી દીધું. 1998માં પ્રકાશિત થયેલી આ કૃતિ તેમની કીર્તિદા નવલકથા છે. દિલ્હીની સાહિત્ય એકેડેમી (અકાદમી નહીં)એ તેને પુરસ્કૃત કરી. તેના પરથી રેવા નામની ગુજરાતી ફિલ્મ બની જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. (હેલ્લારો કરતાં રેવા ફિલ્મ સમગ્ર દેશની ઉત્તમ ફિલ્મ તરીકે શ્રેષ્ઠ પસંદગી હતી.) તત્ત્વમસી ફિલ્મે નર્મદા નદીના માનવ સંસ્કૃતિ સાથેના તાણા-વાણાને સરસ રીતે ખોલી આપ્યા છે. અમૃતલાલ વેગડે વિશ્વને નર્મદાના સાૈંદર્યનો પરિચય કરાવ્યો તો ધ્રુવ ભટ્ટે નર્મદા મૈયા-રેવાની જીવન-સંવેદનાની વિશ્વને અનુભૂતિ કરાવી. વિશ્વખ્યાત લેખક હર્મન હેસી પોતાની સિદ્ધાર્થ નવલકથામાં નદીની જે સૂક્ષ્મ ઓળખ આપે છે તેના કરતાં તત્ત્વમસિમાં લેખક- નદીની તેનાથી જુદી અને કંઈક અંશે ચડિયાતી ઓળખ સિદ્ધ કરે છે. ધ્રુવ ભટ્ટ નદીના આંતર પ્રવાહો અને જીવનની રાહો સાથેનો સંબંધ સિદ્ધ કરે છે. આ છે તેમની સાર્થકતા.
તેઓ સાસણ ગીરમાં જઈને લોકોની વચ્ચે રહીને, અનુભવો કરીને અકૂપાર નવલકથા લખે છે. જે તેમની એક ઉત્તમ કૃતિ બને છે. જાણીતાં દિગ્દર્શિકા અદિતિ દેસાઈએ તેના પરથી તે જ નામે નાટક પણ કર્યું જે ખૂબ વખણાયું.
તેમની પાસેથી આપણને અતરાપી (2001), કર્ણલોક (2005), લવલી પાન હાઉસ (2012), તિમિર પંથી (2015), શ્રુનવંતુ અને ન ઈતિ (2018) નવલકથાઓ મળી છે. તેમનો બાળ સંગ્રહ 1982માં ખોવાયેલું નગર ના નામે મળ્યો હતો. (એ તેમનું પ્રથમ પુસ્તક ગણાય.)
2003માં આપણને તેમની પાસેથી ગાય તેનાં ગીત નામનો ગીત સંગ્રહ પણ મળ્યો છે.
લેખકની દરેક નવલકથાનો જુદો જુદો મિજાજ છે. જેમ કે તિમિર પંથીમાં તેઓ છારા અને આડોડિયા સમુદાયની ચોરી કરવાની વાતને વિષય બનાવે છે. સર્જકને અંધારામાં થતું અજવાળું શોધવામાં અને અંધકારને ઉટકીને-ઉજળો કરીને તેને અજવાળામાં પરિવર્તિત કરવામાં રસ છે. કોઈ પણ સર્જકનું કામ આ જ હોવું જોઈએ. ખબર પણ ના પડે એ રીતે લેખક અજવાળું લઈને આવે છે અને વાચકની આંખમાં આંજીને ચૂપચાપ ચાલ્યા જાય છે. તેઓ કહેતા ના હોય તે રીતે પોતાની વાત કરી દે છે. તેઓ કૃતિને બોલવા દે છે અને માૈન રહીને કહેવાનું હોય તે કહી દે છે. આ મોટો કસબ છે. જેમ બોલ્યા વિના કહી શકાય છે તેમ કહ્યા વિના પણ કહી શકાય છે. કોઈ પણ સાંપ્રત વિષયની કૃતિને તમે વાચક સુધી બે સ્તરે પહોંચાડી શકો. એકઃ વાચકને તે ખૂબ ગમે. બેઃ વાચકને તે સ્પર્શી જાય.
હરકિશન મહેતાની પીળા રૂમાલની ગાંઠ અને તિમિર પંથીને જોડે જોડે મૂકીને વિચારીએ તો ખબર પડે કે લોકપ્રિયતા અને લોકાભિમુખતાના પ્રદેશો જુદા જુદા હોય છે.
ધ્રુવ ભટ્ટનાં ગીતોની દુનિયા સહજ, પ્રકૃતિદત્ત અને લીલીછમ છે. તેઓ ગુજરાતી ગીતોમાં નવો ઉઘાડ લઈને આવ્યા છે. કૃષ્ણ અને મીરાં વિના પણ ગીતો લખી શકાય તેવું તેમણે સાબિત કર્યું. ગાય તેનાં ગીતો.. એ તેમની જે ભાવના છે તે ભાવના પર જ ઓવારી જવાનું મન થાય. તેમનાં ગીતોમાં જીવન છે, નવો ઉન્મેષ છે, કુદરત છે, દરિયો છે, વૃક્ષો છે, વાદળ છે... તેમને આખેઆખાં ગીતો એમને એમ આવી જાય છે. તેમનાં ગીતોનું આસિત મોદીની કંપનીએ સુંદર આલબમ પણ કર્યું છે. એ ગીતો વારંવાર સાંભળવાં ગમે તેવાં છે...
ધ્રુવભાઈ નાના હતા ત્યારે જાફરાબાદ રહ્યા અને તેમણે દરિયાને સેવ્યો. મિત્રો સાથે દરિયાએ જાય. તેમાં નહાવાનું. તેની સાથે મસ્તી કરવાની. તેઓ પોતાના પિતા પ્રબોધરાય સાથે દરિયા કિનારે ચાલવા જતા. એક વખત તેમણે પોતાના પિતાને પ્રશ્ન કર્યો હતોઃ આ કિનારે કિનારે ક્યાં જવાય ? તેમના પિતાએ જબરજસ્ત જવાબ આપ્યો હતોઃ એ તો તું જાય તો તને ખબર પડે... નાનકડો ધ્રુવ મોટો થયો એટલે તેણે દરિયામાં ડૂબકી મારી, દરિયાને મળ્યો, તેની સાથે વાતો કરી, તેને જાણ્યો-પ્રમાણ્યો અને ગુજરાતીઓના હાથમાં દરિયાનું વિઝિટિંગ કાર્ડ (સમુદ્રાન્તિકેના નામનું) આપી દીધું. દરિયાનો પહેલો પરિચય ધ્રુવ ભટ્ટને આ રીતે તેમના પિતાએ કરાવેલો. એમ તો શબ્દનું અનુસંધાન પણ તેમની પાસેથી જ મળ્યું. તેઓ કવિ હતા.
પિતાની એક કાવ્ય પંક્તિ ધ્રુવભાઈને આજે પણ યાદ છેઃ કવિ નહીં થવાય તો, કશુંય નહીં થવાય તો કંઈ નહીં, ઊંડાણ મનમાં ભરાય અનુભૂતિના મૌનથી... ધ્રુવ ભટ્ટના સમગ્ર સર્જનમાં તેમના પિતાના આ વિચારનું સ્પષ્ટ પ્રતિબિંબ ઝીલાયું છે.
ધ્રુવ ભટ્ટની ભાષા લોકોની ભાષા છે. તેઓ જુદાં જુદાં ગામો ફર્યા અને જુદી જુદી બોલીઓના પરિચયમાં આવ્યા. ભાષા કરતાં બોલી બળૂકી હોય છે. જેમ જુદા જુદા કૂવાનાં પાણી પીનારો, જુદી જુદી ઘંટીના લોટ ખાનારો જુદો હોય છે તેમ જુદી જુદી બોલીઓ-ભાષાના સંપર્કમાં આવનારો સર્જક પણ જુદો હોય છે, મેઘાવી અને બળૂકો હોય છે.
ધ્રુવ ભટ્ટ ધરતીના- માટીના-જમીનના-ભોંયના સર્જક છે. એ સહજ છે. જે આવે તે અંદરથી જ આવે. એક સર્જક તરીકે કુદરતે ગુજરાતને ધ્રુવ ભટ્ટ ભેટ તરીકે આપ્યા છે. એમનું કૂળ અને મૂળ અસલિયતમાં છે. એ પ્રકૃતિને ચાહે છે અને માણસમાં શ્રદ્ધા ધરાવે છે. નાના ગણાતા માણસો જ તેમના સર્જનના ઝરો છે. તેમની તમામ કૃતિઓનું પગેરું નાના લોકોનાં હૃદય સુધી જાય છે. તેમની કૃતિઓમાં અનુભવો અને ઘટનાઓનું પડેલું ભાથુ વાચકને જીવન-દષ્ટિ આપે છે. તેઓ લખવા ખાતર લખતા લેખક નથી જ. જીવાતા જીવન સાથે ધબકતો સંબંધ કેળવીને તેઓ લખે છે. અંતરિયાળ વિસ્તારોના લોકો, રહી ગયેલા લોકો, ભૂલાઈ ગયેલા સમુદાયો અને સ્ત્રી શક્તિના સામર્થ્યને શબ્દબદ્ધ કરવાને તેઓ સર્જક તરીકે પોતાની સાર્થકતા ગણે છે. તેમણે સર્જક તરીકે આપણને કેટલાંક ઉત્તમ સ્ત્રી-પાત્રો આપ્યાં છે.
ધ્રુવ ભટ્ટને તેમનાં જીવન સાથી દિવ્યાબહેનનો કાયમ જોરદાર સાથ મળ્યો છે. નોકરી છોડવાની વાત હોય કે 51મા વર્ષે નિવૃત્ત થવાનો તેમનો નિર્ણય હોય. દિવ્યાબહેને કોઈ દિવસ એક હરફ ઉચાર્યો નથી. એક શિબિર વખતે અણધાર્યું-ઓચિંતુ કંઈક બન્યું તો પૈસાની જરૂર પડી. ધ્રુવભાઈએ દિવ્યાબહેનનાં ઘરેણાં વેચીને યુવાનોની શિબિર ચાલુ રાખી હતી. ધ્રુવભાઈને એક પુત્ર દેવવ્રત અને એક પુત્રી શિવાની છે.
ધ્રુવભાઈ સર્જક છે, કવિ છે, ગીતકાર છે, ચિત્રકાર છે, દરિયા કે પ્રકૃતિના આરોહક છે, અલગારી રખડપટ્ટી કરનારા માણસ છે અને સાૈથી મોટી વાત તો એ છે કે તેઓ સાચુકલા માણસ છે. તેના કારણે જ તેઓ દીવાની જ્યોત જેવું ઉજળું લખી શકે છે...
ધ્રુવ ભટ્ટની કૃતિઓમાં તમને દરિયો મળે, સાસણ ગીર મળે અને નદી પણ મળે. સાસણ ગીર પરથી નાટક (અકૂપાર)બન્યું જે સફળ થયું. રેવા ફિલ્ન બની તો તે પણ સફળ રહી. હવે બાકી રહ્યો છે.. દરિયો. સમુદ્રાન્તિકે પરથી જ્યારે ફિલ્મ બનશે ત્યારે આખું વિશ્વ જોતું રહી જશે...
ધ્રુવ ભટ્ટને દિલ્હી સાહિત્ય એકેડેમીનો પુરસ્કાર મળ્યો, દર્શક એવોર્ડ પણ મળ્યો, હવે તેમના 75મા વર્ષે રણજિતરામ ચંદ્રક મળે તો એ ચંદ્રકનું તેજ વધે..આજે ધ્રુવ ભટ્ટનો જન્મ દિવસ છે. તેમને 11 દરિયા ભરીને વંદન અને અભિનંદન.