ભારતભૂમિના સંસ્કાર

11th , December 2020

નફરત, વિરોધ, શંકા ને આક્ષેપોના નેગેટિવ સમાચારોની ગરમાગરમી વચ્ચે 
આ ગુલાબી ટાઢક જેવા સમાચાર દટાઈ ગયા !
 
બન્યું એવું કે 17 વર્ષની લાઈબા ઝબેર ને એની 13 વર્ષની નાની બહેન સના ઝબેર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં રહે છે. બે પત્નીઓ કરનાર એમનો બાપ થોડા મહિનાઓ પહેલા ગુજરી ગયો પછી ગરીબી આંટો લઈ ગઈ એવા ઘરમાં કંકાસ થતો. એમાં માઠું લાગતા બે ય તરુણીઓએ ઘર છોડી દીધું. રઝળપાટમાં ખોરાક શોધતા ભારતની સરહદમાં પ્રવેશી ગઈ ને કાશ્મીરમાં મુસ્તૈદીથી તૈનાત ઇન્ડિયન આર્મીના જવાનોએ પકડી લીધી. 
 
બેઉ ટીનેજર છોકરીઓ ભયથી ફફડી ઉઠી. દુશ્મન દેશના જવાનોના હાથમાં હતી. હવેની કલ્પના કરીને કંપારી છૂટી જાય. પુરુષ જવાનો જ હતા બધા ભારતના દેહ પીંખીને મારી નાખશે ? એમની ખબર પૂછવા આમે ય કોણ આવે ? જાસૂસ ઠેરવી આજીવન જેલમાં નાખશે ? ઢોર માર મારશે ? મુસ્લિમ હોવાને લીધે કે પાકિસ્તાની હોઈને ગાળો આપશે ? આંખોમાં આંસુ તગતગી ગયા. 
 
પણ આ ઋષિઓએ ઘડેલું પ્રેમ અને માનવતાની ગંગા વહેવડાવતું હિન્દુસ્તાન હતું. ઇન્ડિયન આર્મીએ હકીકત જાણી એમને શાંત કર્યા. હાથ અડાડવાની વાત તો દૂર, પહેલા તો પેટ ભરીને બેઉ બહેનોને જમાડી. આરામ કરાવ્યો. માસ્ક આપ્યા. પછી પાકિસ્તાની આર્મીનો સંપર્ક કરી ગામની ભાળ મેળવી. આર્મીના જવાનો જ બોર્ડર પર જઈને બેઉને પાકિસ્તાની ફૌજી અફસરોને સોંપી આવ્યા ને બે ય દીકરીઓને મજાની ગિફ્ટસ ને સ્વીટ્સ પણ પાછા વળાવતા મોટા બોક્સ ભરીને આપી ! હવે ઘેર સહીસલામત પહોંચી ગઈ છે. ને મોટી બહેનનો તો વિડીયો જ છે જેમાં એણે ભારતીય સેનાનો ઓન કેમેરા આભાર માન્યો છે. મારની બીક હતી ત્યાં મીઠાઈઓ મળી એમ કહ્યું છે.
 
ઘેર બેઠા કીપેડ પર ટકાટકી કરી હાલતા ને ચાલતા રાજકારણ ને ધર્મના નામે પોતાને સુપરનેશનલ ને બાકીના બધાને એન્ટીનેશનલનું સર્ટિફિકેટ ઇસ્યુ કરતા હોંશીલા હુડદંગીઓથી ભારત મહાન નથી. આ છે ભારતની મહાન ફૌલાદી સેનાનું મહાનતમ જીગર. ખોટા સામે શૌર્ય ને સાચા સામે પ્રેમની સનાતન ધારા. આ છે જેમને માત્ર ગાંધીજીને નીચું દેખાડવા પૂરતા આ બીજી ઓક્ટોબર પૂરતા જ યાદ કરવામાં આવેલા, એ ગાંધીશિષ્ય શાસ્ત્રીજીના જય જવાન,જય કિસાનનું હિન્દુસ્તાન. દેખ લો દુનિયાવાલો. હિન્દુસ્તાની આર્મી સોલ્જર ને નાપાકિસ્તાની જેહાદી ટેરરિસ્ટ વચ્ચેનો ફરક.
 
હૈ પ્રીત જહાં કી રીત સદા... વો ભારત કી બાત સુનાતા હૂં ! ️
 
આજની સલામ ઇન્ડિયન આર્મીમાં એ જવાનોને. વાઇરસ આવે ને જાય. પણ વીરરસ આ ય છે. નિર્દોષને અભય ને વ્હાલનો વિશ્વાસ હોય એ ભારતભૂમિના સંસ્કાર. 
 
 સાભાર - જય વસાવડા