101મા વર્ષે વહાલા નગીનબાપા ગયા

13th , July 2020

નવ કરશો કોઈ શોક રસિકડાં એવું વારંવાર સમજાવીને ગયા. 101 વર્ષનું ને એ ય છેક સુધી ટટ્ટાર ઉભા રહી બોલી શકાય, લેટેસ્ટ સ્ટડી લખી શકાય ને પેટીસ પેંડા ખાઈ શકાય એવું મેમરી પાવર અકબંધ રહે એવું આયખું તો દુનિયામાં દુર્લભ ને દેવતાઈ કહેવાય. પણ અભિગમમાં એટલા યુવાન ને અભ્યાસમાં એવા વિદ્વાન કે વૃદ્ધ લાગે જ નહીં. અમે તો મળીને મોજનો આશ્રમ ઊભો કરવાની ગમ્મત કરીએ. રોમેન્ટિક સંસ્કૃત શ્લોક પણ સંભળાવે ને પરદેશી રિસર્ચનું કવોટ પણ. ચંદ્રકાંત બક્ષી પછી આ ખરા અર્થમાં સમર્થ પ્રકાંડ પંડિતની વિદાય છે.
છેક સુધી સાબૂત. અણગમતું સત્ય અણગમા વગર કહી શકે એવા. તુલાધાર સત્યના અજોડ ઉપાસક. બિલકુલ બાયસ નહિ. લોકો પોતાના બાયસ લઈ વાંચવા સાંભળવા આવે એ લોકોની સમસ્યા. નગીનબાપા સ્વાર્થ વિના સત્ય આકલન કરતા રહે. રાજકારણના વિશ્લેષક તરીકે બ્રાન્ડેડ થયા ને ઇતિહાસના અધ્યાપક તરીકે પ્રવૃત્ત રહયા,પણ મૂળ એ વિશ્વ સંસ્કૃતિઓના ખજાનચી. એની ચાવીઓ એમની પાસે. ઊંડા ઉતરી જાય તથ્યોનો ચકાસણી માટે.
આયખાના છેલ્લા દાયકામાં એમની બે વિખ્યાત વ્યક્તિઓને લીધે લોકોમાં કદર થઈ. પ્રિય મોરારિબાપુ. જેમણે એમને રેશમમાં રતન સચવાય એમ સાચવ્યા. કહો કે આ સેન્ચુરી પુરી કરાવી એવું અદકેરું જતન કર્યું. પરિવારના સભ્યની જેમ દેખરેખ રાખી, પ્રવાસોમાં સહવાસ રાખ્યો ને અંતે શતાયુ સન્માન પણ કર્યું. એમનો અધૂરો પરિવાર વિસ્તાર કરીને પૂરો કર્યો. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. એમના પર સેંકડો પુસ્તકો લખાયા. એક પુસ્તક એમાં તટસ્થભાવે નગીનદાસ સંઘવીનું. નગીનબાપાએ તો છેલ્લા શ્વાસ સુધી સમીક્ષાત્મક લખ્યું. પણ એમનું યોગ્ય પદ્મશ્રી સન્માન કર્યું. આજે પણ મોદીસાહેબે ટ્વીટ કરી છે.
આ વર્ષના માર્ચ મહીનામાં જ નવસારી એમને મેં શિક્ષકોની શિબિરમાં વક્તવ્ય માટે બોલાવેલા. એનો જ ફોટો છે જોડે. એમની છેક આજ સુધી કાળજી લેતા પરમ મિત્ર ડીવાયએસપી ચંદ્રરાજસિંહ જાડેજા સાથે આવ્યાં. જમ્યા ને અદભુત બોલ્યા. ટટ્ટાર ઉભા રહીને એમની તમામ પ્રકારની ઊંચાઈ સાથે. એ છેલ્લું રૂબરૂ સંભારણું. પછી કોવિડ ત્રાટક્યો. પ્રત્યક્ષ સંપર્ક તૂટ્યો. હવે જીવનસેતુ પણ ખૂટયો.
સંગ અમે જોડે માણ્યો. એ લચીલા આંબાની જેમ મીઠાશથી ઝૂકે એટલે. બાકી હું અડધી ઉંમરનો ય નહિ એમની. એક અદભુત સહિયારું સપનું કાયમ માટે અધૂરું રહી ગયું. નહિ તો કદાચ એ કર્તવ્યના તાંતણે વધુ જીવી જાત. પણ આથી વધુ ભરપૂર તો કેવી રીતે માણસ જીવે ? દુનિયા ફર્યા. ખુદમાં ઠર્યા. તો ય એમ લાગે કે જો હજુ થોડુંક વધારે....
આ પ્રેમની સાહેદી છે. વધુ લખવું છે. જોઈએ...ગુજરાતને, ભારતને, માનવજાતને ખબર નથી કે એમણે શું ગુમાવ્યું છે. દસ યુવલ નોઆહ હરારી, દસ નિકોલસ તાલેબ, દસ વિદ્યાધર નાઇપોલ, દસ રિચાર્ડ ડોકિન્સ, દસ ખુશવંતસિંહ, દસ દેવદત્ત પટ્ટનાયક અને દસ રામચંદ્ર ગુહાને ખરલમાં લસોટો ને ત્યારે નગીનદાસ સંઘવી નામનો એક તેજલિસોટો તૈયાર થાય. વધુ પડતું જ લાગશે. ખબર છે. અતિશયોક્તિ જ કરી છે. પણ આ આંચકા સિવાય એમની પ્રતિભાનું વણખેડાયેલું પોટેન્શ્યલ સમજાવી શકાય એમ નથી.
જય સિયારામ,જય શ્રી કૃષ્ણ ત્યારે. લે તમારી તો અંતે ઉંમર થઈ ગઈ આજે ! જવાન માણસ વહેતો પડ્યો ગેબની વાટે ધોળી ખાદીની ડાંફ ભરતો ! તમે બહુ યાદ આવશો, નગીનબાપા. જગતના સાડા સાત અબજમાં આવો સમરથ શતાયુ નહિ જડે........
સાભાર : જય વસાવડા