પ્રતિબદ્ધ પોલીસ વર્ગને સલામ !!!
કોણ કહે છે કે પોલીસ માત્ર કડકાઈ જ કરે છે ?
તેને પણ સંવેદનશીલ હૃદય છે !
મારો બે દિવસ પહેલાંનો જ એક વિચિત્ર અનુભવ ! પ્રથમ અને દ્વિતીય ઘરબંધીને કારણે છેલ્લા સવા મહિનાથી હું લોકભારતીની બહાર નહોતો નીકળ્યો. મારાં પત્નીની ભાવનગરના એક ચિકિત્સકની સારવાર ચાલે છે, દર મહિને ત્યાં બતાવવા અને દવા લેવા જવાનું હોય છે પણ વચ્ચે એકાદ વખત તેમની સાથે વોટ્સએપ પર મેસેજ કરીને પંદરેક દિવસની દવાનું અગાઉ મુજબનું પ્રિસ્ક્રિપ્શન લખાવીને, મનમાં એમ ધારીને કે આટલા સમયમાં તો ઘરબંધી ઊઠી જશે, દવા મેળવીને રોડવ્યું. પરંતુ આ ઘરબંધીનો તો બીજો તબક્કો આવ્યો ! હવે તો ચિકિત્સકને રૂબરૂ બતાવવા જવા સિવાય છૂટકો જ નથી. તેથી સામાન્ય તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે જો આવા પ્રકારનું ડૉક્ટરનું કામ હોય, તેની યોગ્ય ફાઇલ હોય તો બહુ વાંધો આવતો નથી, પોલીસ જવા માટે બહુ આનાકાની કરતી નથી. મનમાં તો પોલીસનું નામ આવે એટલે સૌ દૂર જ રહેવા પ્રયત્ન કરે તે સહજ છે.
અમે બંને જણાં તા.૨૭ એપ્રિલના રોજ ભાવનગરના ચિકિત્સકની એપૉઈન્ટમેન્ટ કન્ફર્મ કરીને તેની ફાઇલ સાથે લઈને લોકભારતી- સણોસરાથી મનમાં એક છૂપી દહેશત સાથે ગાડી લઈને નીકળ્યાં ! સોનગઢ આવતાં પહેલાં પાલીતાણા ચોકડીએ હંગામી પોલીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી જોઈ. રોડ પર જ ઝીક-ઝાક રોડ-બેરિયર મૂકેલાં જોયાં. મનમાં થોડો ખચકાટ તો ખરો જ ! પણ ડૉક્ટરની ફાઇલ સાથે હતી તેથી વાંધો નહીં આવે તે પણ મનમાં સધિયારો હતો. મેં ગાડી ઊભી રાખી. એક પોલીસ કૉન્સ્ટેબલ ગાડી પાસે આવ્યા અને શું હેતુ માટે નીકળ્યાં છો તેની મને પૃચ્છા કરી. વળી, બીજા એક પોલીસ કૉન્સ્ટેબલ તો મને ઓળખી પણ ગયા. મને કહે કે સામે ગાડીની નોંધણી કરાવી આવો. એટલે હું મારી ગાડી બંધ કરીને નોંધણી કરાવવા ગયો. ત્યાં વળી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બેઠા હતા, તેઓ બે-ચાર વાર લોકભારતીમાં કોઈને કોઈ કાર્યક્રમ સંદર્ભે આવી ગયેલા હોઈ, મને સામાન્ય ઓળખે ખરા, પણ બહુ કંઈ પરિચય કે વિશેષ સંબંધ-નાતો નહીં. હું ત્યાં ગયો અને અમારી ડૉક્ટર પાસે ચાલતી સારવારની ફાઇલ બતાવી, નોંધણી કરાવી, તેઓએ મને ભાવનગર જવા માટે સંમતિ આપી, એટલે હું સહજ જ ગાડી તરફ ગયો. ગાડી શરૂ કરવા લાગ્યો. પણ ગાડી સ્ટાર્ટ ન થાય ! એક-દોઢ માસથી ગાડી બંધ પડી રહેલી, તેથી બેટરીનો કંઈક પ્રોબ્લેમ હશે તેવું લાગ્યું. મને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ઓળખે છે તે જોયેલું, એટલે મારી મદદે એક-બે પોલીસ કૉન્સ્ટેબલ આવીને મદદ કરવા લાગ્યા. મને કહે કે ધક્કો મારીને ગાડી ચાલુ કરી દઈએ, બેટરીનો પ્રોબ્લેમ છે વગેરે સલાહ આપી મદદ કરવા લાગ્યા. પણ ગાડી ચાલુ ન થઈ, તે ન જ થઈ ! હું તો મૂંઝાયો કે હવે શું કરવું ? માંડ-માંડ દોઢ-પોણા બે મહિને દવા લેવા જવાનું થયું છે અને અધવચ્ચે ગાડીએ દગો દીધો. બસ વગેરે પબ્લિક ટ્રાન્સપોર્ટ તો બંધ જ છે. હું તો મૂંઝવણમાં મુકાઈ ગયો. હું હજી કંઈ વિચારું કે નિર્ણય લઉં તે પહેલાં તો પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વાઘેલા સાહેબે તેના એક પોલીસ કોન્સ્ટેબલને સૂચના પણ આપી દીધી કે ‘મારી વેગનાર ગાડી લઈ આવો.’ અને મને પૂછ્યું પણ ખરું કે વેગનાર ગાડી ચલાવતા આવડશે ને ? હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. કંઈ અન્ય વિચારવાની સ્થિતિમાં જ ન રહ્યો ! આવું બની શકે તે જ મારી સામાન્ય બુદ્ધિની સમજમાં આવતું નહોતું ! મારી આ ગાડીની પહેલાં મારે વેગનાર ગાડી જ હતી અને મેં ઘણો સમય વેગનાર ગાડી વાપરેલી એટલે તે ચલાવતા આવડવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. હજી હું અસમંજસમાંથી બહાર આવું ત્યાં તો તેમની અંગત વેગનાર ગાડી આવી પણ ગઈ. મને કહે કે ‘તમારી ગાડી અહીં છોડી દો અને ચાવી આપી દો, એટલે કોઈ બેટરીવાળાને બોલાવી તમે પરત આવો ત્યાં સુધીમાં તમારી ગાડીને બરાબર કરાવી દઈશું.’
મારી પાસે તો કોઈ અન્ય વિકલ્પ જ ન હતો. અને આ તો મૂંઝવણમાંથી ઉત્તમ વિકલ્પ મળી આવ્યો હતો, તેથી મને તો નિરાંત થઈ ગઈ. તેમની વેગનાર ગાડી લઈને અમે ભાવનગર ગયાં, બે-ત્રણ કલાકમાં અમારું કામ પતાવીને પરત સોનગઢ પરત આવ્યાં, તે વખતે તેઓ પોતે તો હાજર પણ નહીં. અમારી ગાડી પણ તૈયાર ! ગાડી બદલાવી, તેમને ફોન કરીને આભાર માન્યો, આભારનો મેસેજ પણ કર્યો તો પ્રત્યુત્તરમાં તેમનો મેસેજ આવ્યો કે ‘આભાર માની, મને શરમાવો નહીં !’
સામાન્ય રીતે પોલીસ નામથી જ આપણે સૌ તેને ‘નવ ગજના નમસ્કાર’ કરતાં હોઈએ છીએ. એક સામાન્ય એવી છાપ આપણા મનમાં પેસી ગયેલી હોય છે કે પોલીસ એટલે ડંડા-લોકઅપ-દંડ વગેરે. પણ પોલીસ પણ છેવટે તો એક માણસ જ છે, તેને પણ આપણા સૌના જેવું જ હૃદય હોય છે. આ ડંડા-લોકઅપ-દંડ વગેરે તેની ફરજના ભાગ તરીકે જ તેઓને બજાવવી પડતી સેવા છે. જ્યારે જ્યારે કોઈ વિશેષ કે અસામાન્ય પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે ત્યારે તેઓને પોતાની ફરજના ભાગરૂપે સમાજ સમક્ષ કડવા થવું પડે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેઓ પોતાનો અંગત સમય, પોતાના શોખ, પોતાનું કુટુંબ, પોતાની જાત એમ સઘળું જોખમમાં મૂકીને સમાજ માટે પ્રતિબદ્ધતા દાખવે છે.
આવા પ્રતિબદ્ધ પોલીસ વર્ગને સો સો સલામ !!!
- હસમુખ દેવમુરારિ
( લોકભારતી - સણોસરા )