એક પત્ર સંદેશો - વિજયભાઈને...

17th , April 2020

વિજયભાઈ,

     તમે ખાસ સાચવજો હો,

     તમે કોરોના સામેના ગુજરાતી લશ્કરના વડા છો..!

     કોરોનાનો ગુજરાત પ્રવેશ થયો ત્યારથી અમે અમારા 'રાજકોટ-વીર'ને સતત સ્થિરતાથી અગ્રિમ યુદ્ધરેખા પર ઉભેલ  ભાળીએ છીએ. એ રાજકોટ-વીરને સૌ પ્રેમથી 'વિ. રુ.' ( 'વિ' 'જય' 'રૂ' 'પાણી' ) કહે છે. અમે રાજકોટ નગરવાસીઓએ વિજય રૂપાણીને છેલ્લાં ત્રીસેક વર્ષોથી તો એક જ પક્ષના અતિ શિસ્તબદ્ધ કાર્યકર તરીકે જોયા છે અને આજે રાજયના સુકાની તરીકે ભારે કપરા સમયે સતત સતત પૂર્ણ સ્વસ્થતાથી પડકારોને પડકારતા પણ જોઈએ છીએ. ત્યારે ગઈકાલ રાતથી ગુજરાતીઓને ચિંતા થાય તેવા વાવડ આવ્યા અને 'વિજયભાઈને કોરોના તો નથી ને ??' એવી દહેશત થવા લાગી. જો કે, આજે બધું સુખદ છે અને તેમ છતાં વિજયભાઈ સ્વેચ્છાએ 'ગૃહસ્થ' થયા છે તે જાણી રાહત થઈ.

     વિજય રૂપાણી સાલસ છે, બધા ય ને સાચવી શકવાની ક્ષમતા ધરાવે છે, પ્રખર નેતા હોવા છતાં મુક્ત રીતે હસતા રહી શકે છે. તેઓ તો કોરોના પહેલાંથી બધી જ બાબતોમાં બધાથી safe social distance રાખવા ટેવાયેલા છે એટલે એમણે ખેડાવાલાથી પણ આવશ્યક અંતર રાખીને જ બેઠક કરી હતી. પણ પોતે જોખમ લેવાની બડાશ હાંકવા માંગતા નથી એટલે પોતે જ isolation સ્વીકારી ઉદાહરણ પૂરું પાડ્યું છે. વળી, આ વિશદ સ્થિતિમાં ઘરે રહીને પણ virtual work from home કરતા રહેવાનું નક્કી કરીને એમણે 'બહાર લટાર મારવામાં ઉસ્તાદ' ગુજરાતીઓને આડકતરો સંદેશ આપ્યો છે કે, 'ઘરમાં રહો ને સ્વસ્થ રહો.'  એ સાચું છે કારણ કરફ્યુ લાદવો પડે છતાં ય કાયદો ન જ પાળીએ તે કાંઈ શોભસ્પદ તો નથી જ.

     વિજયભાઈ અને તેની ટીમ અત્યારે બહુ જ down to earth રહીને પ્રત્યાયનનો દોર સંભાળી રહ્યા છે તે આપણે સૌ જોઈ રહ્યા છીએ. વિજયભાઈ-નીતિનભાઈ-જયંતિ રવિ-શિવાનંદ ઝા-વિજય નેહરા ટી.વી. પર પ્રેસ બ્રિફિંગ કરે છે ત્યારે બહુ જ નરમાશથી પેશ આવતા જોઈએ છીએ. હા, અત્યાર સુધી રાજકીય નેતા તરીકે ભાષણ-અદામાં જ જેને જોયા હોય તેને આજે આટલાં ધૈર્ય અને સંવેદનાથી વાત કરતાં નિહાળીએ ત્યારે ગુજરાતની સૌમ્યતા નોંધી શકાય છે, નહીં તો પ્રશ્નો એટલા ગંભીર છે કે ક્યારેક તો મગજ ગુમાવી જ બેસાય ! 

     ...અને જે કહેવાય તે બધું જ કરવા આપણે કૈં ટેવાયેલ પ્રજા તો નથી જ !! અને  બધે ય કાંઈ બધું નોર્મલ પણ નથી. ઘણાં લુપહોલ્સ છે, ઘણા નિર્ણયો છેક સુધી નથી પહોંચ્યા, ઘણે સંકલન તૂટ્યું છે પણ એ તો હોય. આવી ક્રાઇસીસ ટાણે નાનું મોટું તો બને જ. કોરોના સામેનો જંગ 'ભગવાન રામ અને રાવણનાં યુદ્ધ' થી જરાપણ ઓછો નથી. પણ એવું લાગે છે કે 'ભારતમાં તો 'બેઉ બળિયા બાથે વળગ્યા' જેવો સંગ્રામ છે.'

     આ સંગ્રામમાં વિજયભાઈ 'ગુજરાતના કોરોના સામેના લશકરના વડા' છે અને એટલે હૃદયથી કહેવાનું કે,'વિજયભાઈ, તમે સ્વાસ્થ્ય બરાબર સાચવજો હો.'  જરૂર ન જણાય તો પણ વચ્ચે વચ્ચે આરામ કરી લેજો, કારણ ગુજરાતના સુકાનીનું લડવાનું જોશ અને જોમ બરકરાર રહે તે સમયની માંગ છે. આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે : અસ્તિત્વ સદા વિજયભાઈની સાથે રહે.

     વિજયભાઈ, અત્યારે તમે 'ગુજરાત' નામધારી કુટુંબના મોભી છો. સમગ્ર કુટુંબનાં કુશળ માટે તમારું કુશળ હોવું અતિ જરૂરી છે.

     'શુભમ ભવતુ' ની પ્રાર્થના સાથે..

    - ભદ્રાયુ વછરાજાની