કોરોના બિમારી સંદર્ભે
પાટણા ગામની સખી મંડળની બહેનો દ્વારા સિલાઈકામ કરી મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂ.૧૫,૫૫૫ અર્પણ
કોરોના બિમારી સંદર્ભે રાજ્યમાં ઠેર ઠેર મુખ્ય મંત્રી ભંડોળમાં સખાવત ઉમેરાતી જાય છે, જેમાં મંડળ દ્વારા પણ રકમ અર્પણ થઈ રહી છે. પાટણા ગામની સખી મંડળની આ બહેનો દ્વારા સિલાઈકામ કરી મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂ.૧૫,૫૫૫ અર્પણ કરાયા છે.
એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત રચના થયેલ ભાવનગર જિલ્લાના સખીમંડળો આર્થિક ઉપાર્જન અને સ્વનિર્ભર થવા માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. પાટણા ગામના મમતા સખી મંડળ અને જય માતાજી સખી મંડળની બહેનો સિલાઈ કામગીરી કરીને પણ આર્થિક ઉપાર્જન કરે છે અને આજે વિશ્વ અને રાષ્ટ્ર ઉપર કોરોનાની મહામારીમા આ મહિલાઓ માસ્ક બનાવીને આ વાયરસનો ફેલાવો ન થાય તે માટે પોતાનો સહયોગ આપી રહ્યા છે અને સાથે સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે.
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરાનવાલને મમતા સખી મંડળના પ્રમુખ મંજુલાબેન દ્વારા રૂ. ૧૫,૫૫૫ અર્પણ કરવામા આવેલ છે. આ સમયે મંજુલાબેનએ ગૌરવ અનુભવતા જણાવેલ કે આ સંવેદન સરકાર દ્વારા મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને સરકાર સતત મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે આ મહામારીના સમયમા અમને માસ્ક બનાવીને જે નફો થયો છે તેમાંથી અને અમારૂ યોગદાન આપવામા કેમ પાછા પડીએ? આ એક ઉદાર ભાવના સાથે આ મહિલાઓએ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રકમ અર્પણ કરેલ છે.
અહેવાલ - વિરેન્દ્રસિંહ પરમાર ( માહિતી ખાતું - ભાવનગર )