'ઓરો ના આવીશ કોરોના'
કહો આ કોરોનાને કે ત્યાં જ ઊભો રહે , કેમ કે, હું વ્યસ્ત છું
કોરોનાનો કહેર ભલભલા આદમીને ડરાવી દે એવો ફેલાયો છે. અહીં ન કોઈ નાનું કે ન કોઈ મોટું,ન કોઈ ઉચ્ચ કે ન કોઈ નીચ, ન મિત્ર કે ન દુશ્મન, ન ગરીબ કે ન તવંગર, ન સ્વદેશી કે ન વિદેશી .બધા લોકો એક સમાન ભાવજગત સાથે જીવી રહ્યા છીએ.એક વસ્તુ સામાન્ય છે જે છે, ભય કે ફફડાટ કે હવે પછીની ક્ષણે શું?
મિત્રો છેલ્લા પંદરેક વર્ષના અનુભવ પરથી કહી શકું કે આપણા ભાવજગતમાં, આપણી એકબીજા માટેની ભાવનામાં અદ્ભૂત અને ખૂબ મોટા પ્રમાણમાં ફેરફાર અનુભવાયો છે. આપણામાં કહેવાતી સ્માર્ટનેસ વધી છે. એકબીજા માટેની લાગણીમાં ઓટનો અનુભવ થયો છે. કોઈની પીડા આપણને પરખાતી જ નથી. આપણે વધુ સ્વાર્થી અને સંકુચિત બન્યા છીએ,જેને આપણે મીઠો શબ્દ ' પ્રેક્ટિકલ 'ના નામથી નવાજીએ છીએ, પણ કુદરતનો કહેર કહો કે માનવનો ; મોટે ભાગે માનવ નિર્મિત જ કહી શકાય એવી આપત્તિને કારણે આજે આપણે સૌ એકસરખી જ સંવેદનાનો અનુભવ કરી રહ્યા છીએ.
દોસ્તો, આ સમય છે આપણે જીવી લેવાનો, ભરપૂર આનંદ માણી લેવાનો, વિશ્વ મૈત્રી કેળવી લેવાનો. ધારી લ્યો, આપણો આજનો દિવસ આખરી છે અને આજે આપણે ભરપૂર જીવી લેવાનું છે તો આપણે ક્યા કામ કરીએ? શું અનુભવીએ? એમ વિચારીને આપણે સંપૂર્ણ સલામતીથી જીવી લેવાનું છે. કેટલાય બ્લોક કરેલા સંબંધોને અનબ્લોક કરવાના છે. મનમાં સંઘરાયેલી સારી નરસી લાગણીઓને મનમાં ન સંગ્રહી રાખીને માફી રૂપી શબ્દોના કોગળા કરી, માફી કે પ્રેમનો એકરાર કરીએ. બહાર બીજાની જિંદગીમાં આંટાફેરા મારવાને બદલે આપણા નિજી જીવનરૂપી ઘરમાં વિહરીએ. આ સમયને જેલ ન સમજી અવસરમાં ફેરવીએ. આત્માને ઓળખીએ, હૃદયને ઢંઢોળીએ, સ્વને સમજીએ,અન્યને દૂર રહીને પણ મદદરૂપ થઇએ. કોઈને 'sorry'કે 'I love you' કહીને આપણો ભાવ વ્યક્ત કરીએ. રિસાયેલા હોય તેને સામેથી બોલાવીએ. મીઠી સ્માઇલ આપી તેમનામાં જીવવાની ઊર્જા જગાડીએ.કોઈપણ પ્રકારની ભૌતિકતા સ્પર્શ્યા વિના એકબીજાના મનને સ્પર્શીએ તો કેવું?! હેન્ડ વોશથી આપણા હાથની સાથે સાથે આપણા હૃદયને ધોઇએ તો કેવું? ગુસ્સો, નફરત, ધિક્કાર તેમજ દુશ્મનીના વાયરસને સ્નેહ, પ્રેમ, કરુણા, મમતા અને સત્યના માસ્ક પહેરી દૂર રાખીએ. એક અંતર રાખીને પણ કોઈના અંતરમાં રહીએ. આ અંતર શુદ્ધિકરણનો અવસર છે. ભીતરી સ્વચ્છતા વધારીએ. અવગુણોના વાયરસને આગળ વધતા અટકાવીએ તો જ અમાનવીય કોરોના આપણી ભીતર આવતો અટકશે. હૂંફાળા સંબંધોના યોગ્ય સમયસર ગરમ ઘૂંટડા ભરી અન્યને દુઃખ કે ઇજા પહોંચે એવા શબ્દના વાયરસ વાતાવરણમાં ન ફેલાય એની કાળજી લઈએ તો જ માનવીય સંબંધોરૂપી વૈશ્વિક માનવ નામના રક્ષણની રસી શોધી શકાશે.
હા ચેતજે જરા ,કશું પકડીશ ના
વળગશે બૂરાઈ નામે કોરોના
અરે કહું છું કશું સ્પર્શવું જ ના
વહન થશે દુષ્ટ કોરોના
સઘળું છોડી ચાલવું જીવનમાં
ભરખી જશે જગતને કોરોના
કોરોના તું ઓરો આવીશ ના
હવે આટલી સજા બસ કોરોના
માનવતા અને જાગૃતિ - સહકારના ધૂપ- હવન કરી, લોકોને ભય મુક્ત કરીને અંતર મન શુદ્ધ કરીએ. આ સમયમાં સ્વની અંદર રહીએ, ઊંડે સુધી ડૂબકી લગાવી જાતને ઓળખીએ. બહાર નીકળવાનું કે અન્યને ઓળખવાનું - મળવાનું ટાળીએ. કહી દયો આ કાળને થંભી જાય, બસ બહુ થયું. કહો આ કોરોનાને કે ત્યાં જ ઊભો રહે , કેમ કે, હું વ્યસ્ત છું, મારા પોતીકા માનવીય સંબંધોને પોષણ આપવામાં, મારા વૈશ્વિક ભાઈઓની મુશ્કેલી સમજવામાં, ને બની શકે તો એમને મદદરૂપ થવામાં, ભાઈચારો વધારવામાં, નાત જાતની કડી જોડી એક સાંકળ ગૂંથવામાં,અફવાઓના બજારથી દૂર રહી સાચી સમજ શોધવામાં, કોરોના નામના રાક્ષસને જડમૂળથી ભગાડવાનો ઉપાય શોધવામાં.... અને છેલ્લે આખાયે જગતના આપણા તમામ વિશ્વ બંધુઓને ખરો કોરોના સ્પર્શે પણ નહિ એવી સલામતી ભરી શુભકામનાઓ....
ચાલ્યો જા કહું છું પાછો ચાલ્યો જા,
તારામાં જરીકે દયાનો છાંટો નથી લ્યા.
થોડી કરુણા તો તું વહાવતો જા,
આટલી પીડા તું કેમ પી શકે કોરોના!!
- ભારતી વોરા