ભાવનગર જિલ્લામાં પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં “સખી" સાબિત થતું સખી વન સ્ટોપ સેન્ટર
એક વર્ષમાં ૧૬૮ મહિલાઓનું પુનઃસ્થાપન કરાવાયું
મહિલાઓનાં ઉત્કર્ષ, સશક્તિકરણ અને ખાસ તો મહિલાઓની સુરક્ષા માટે સંવેદનશીલ રાજ્ય તથા કેન્દ્ર સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.
ભાવનગર જિલ્લામાં તમામ પ્રકારની પીડિત મહિલાઓ માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત માર્ચ ૨૦૧૯ થી 'સખી વન સ્ટોપ સેન્ટર' સર. ટી. હોસ્પીટલના કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યુ છે. જેનું સંચાલન ભાવનગરના શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્ર્સ્ટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
આ સેન્ટરમા ઘરમાં, સમાજમાં અથવા ખાનગી કે જાહેર ક્ષેત્રના સ્થળે તમામ પ્રકારની હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલીક ધોરણે તબીબી સેવા, મનૌવૈજ્ઞાનિક પરામર્શ, કાનુની માર્ગદર્શન, પોલીસ સેવા, ટુંકા ગાળાનો આશ્રય અને સંસ્થાકિય મદદ જેવી સંકલિત સેવા એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ભાવનગર સખી વન સ્ટોપ સેન્ટરની વિશે વિગતો આપતા જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી કાતરીયાએ જણાવ્યુ કે અત્યાર સુધી ૧૬૮ કેસો સખી વન સ્ટોપ સેન્ટરમાં નોંધાયા છે. જેમાં મોટાભાગના કેસોનો સફળતાપૂર્વક સુખદ નિકાલ લાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને મહિલાઓ ઉપર થતી શારીરિક, જાતીય અને ઘરેલુ હિંસાનો સમાવેશ થાય છે. જયારે ઘણા કેસો મહિલાઓ પાસે દહેજની માંગણીને લગતા કેસો તેમજ ઘર છોડી જવુ તેમજ ખોવાયેલ મહિલા મળી આવવી ના પણ જોવા મળેલ છે. તેઓએ ઉમેર્યુ કે ઘણીવાર સેંન્ટર પર ખોવાયેલ મહિલા મળી આવવાના પણ સમાચાર મળતા હોય ત્યારે આવા સમયે ૧૮૧ અભયમ દ્વારા મહિલાને આશ્રય સ્થાન માટે તેમજ માનસિક પરામર્શ માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો આપવામાં આવે છે અને તેના પરિવારજનોનો સંપર્ક કરીને તેઓના ઘેર સલામત રીતે પહોંચાડવાનું પણ કામ કરવામાં આવે છે.
હિંસાનો ભોગ બનતી મહિલાઓ કોઇ અગમ્ય કદમ ન ઉઠાવે તેમજ આવી મહિલાઓને સમયસર જરૂરી સહાય મળી રહે તે માટે મહિલાઓમાં જનજાગૃતિ આવે તે હેતુથી સેન્ટર દ્વારા ગામડાઓમા, શહેરના અંતરીયાળ વિસ્તારોમા, પોલીસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, જાહેર સ્થળો ઉપર, આંગણવાડીઓ, હોસ્પિટલોમાં તેમજ કૉલેજ અને સ્કુલોમાં જાગ્રુતિ શિબિરનુ આયોજન કરી “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા આપવામા આવતી સેવાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
OSCમાં આશ્રય મેળવતી મહિલાઓને સમયસર જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ સમયતાંરે તેમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે પુન:સ્થાપન કરાવવામાં આવે છે.
જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના કારણે પીડિત મહિલાઓમાં એક નવી આશાનો સંચાર કરીને મહિલાઓને વિકટ પરિસ્થિતિઓમાં સખી વન સ્ટોપ સેન્ટરે સાચા અર્થમાં “સખી” બનીને હૂંફ અને પ્રેમની અનુભૂતિ કરાવી છે.