પરંપરાગત પદ્ધતિથી તદ્દન વિપરીત પદ્ધતિ - મિયાવાકી
અમદાવાદમાં પોલિસ અધિકારી
સુધા પાંડે દ્વારા વૃક્ષારોપણ અભિયાન
અમદાવાદમાં સૈજપુર નરોડા ખાતે આવેલ સ્ટેટ રિઝર્વ પોલીસ જૂથ 2 માં છેલ્લા કેટલાક દિવસથી અતિ ગંભીરતાથી સઘન વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આમ તો ચોમાસાની ઋતુમાં આવા અભિયાનો આરંભવા તે સામાન્ય બાબત ગણાય. પરંતુ એસ.આર.પી જૂથ 2 દ્વારા અપનાવાયેલ પદ્ધતિ સામાન્યથી કૈક અલગ છે. અને આ અભિયાનથી ગુજરાત પોલીસના તમામ એકમો આ પદ્ધતિ અનુસરે તે માટે તાલીમ આયોજન ગોઠવવા ઉચ્ચ કક્ષાએથી આદેશ જારી થયા
છે.
વૃક્ષારોપણની વાત આવે ત્યારે આપણે સામાન્ય રીતે પરંપરાગત પદ્ધતિથી 10 થી 15 ફૂટના અંતરે મૉટે ભાગે એક જ પ્રકાર ના વૃક્ષો કોઈ પેટર્ન નક્કી કરીને વાવતા હોઈએ છીએ. આ પદ્ધતિથી 100 ચો.મી. વિસ્તારમા સામાન્ય રીતે 9 થી 12 વ્રુક્ષો વાવી શકાય. આથી જો 2000 થી 3000 વૃક્ષો વાવવા હોય તો ખૂબ મોટા વિસ્તારની જરૂરિયાત રહે. ઉપરાંત અનુભવે સમજાય કે આવા વૃક્ષારોપણ કરી પણ દેવાય તો યોગ્ય સુરક્ષા અને માવજતના અભાવે ખરેખર વિકસતા વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે. આથી દર વર્ષે સરકારી તથા ખાનગી પ્રયત્નોથી વવાતા ખોમાંથી કેટલાક હજાર વૃક્ષો પણ વિકસી શકતા નથી અને પર્યાવરણ સુધારની દિશામાં કોઈ ક્રાંતિકારી કહી શકાય તેવું પરિવર્તન લાવી શકાતું નથી. અનેક પ્રશ્નો અને પડકારો વચ્ચે પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સંવેનદનશીલ એવા એક IPS પોલિસ અધિકારી સુધા પાંડે (Commandant, SRP Group 2 ) દ્વારા પોતાના તાબા હેઠળના એસ.આર.પી કેમ્પના ગ્રીન કવરમાં 100% વધારો કરવાના નિર્ધાર સાથે પરંપરાગત પદ્ધતિથી તદ્દન વિપરીત અને જેની સફળતા અંગે સહેજે આશંકા જાગે તેવી પદ્ધતિથી મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરેલ છે.
આ પદ્ધતિ આમ તો એકદમ નવી ના કહેવાય. જાપાનના અકિરા મિયાવકી નામના વનસ્પતિશાસ્ત્રી દ્વારા શોધાયેલ આ પદ્ધતિથી જાપાનમાં 40 થી વધુ વર્ષોથી સફળતાપૂર્વક વૃક્ષારોપણ થઈ રહેલ છે. પરંતુ ભારતમાં અને વિશ્વના અન્ય ભાગોમાં પણ છેલ્લા કેટલાક સમયથી આ પદ્ધતિ લોકપ્રિય બની રહેલ છે.
અત્યંત નાની જગ્યામાં ખૂબ નજીક નજીક, જુદી જુદી દેશી નસલના વૃક્ષો વાવવામાં આવે છે. જેથી માત્ર 100ચોમી વિસ્તારમાં પરંપરાગત રીતે વાવતા 9 થી 12 વૃક્ષો સામે આ પદ્ધતિથી એટલા જ વિસ્તારમાં 20 થઈ 25 જાતિના અધધ 300 જેટલા વૃક્ષો વાવી શકાય છે! વધુમાં માત્ર 2 થી 3 વર્ષ આ વૃક્ષોને પાણી આપવાથી અને તે જગ્યાને નિંદામણ રહિત રાખવાથી આ છોડ આપણી દ્રષ્ટિથી ઊંચા અને આરપાર જોઈ ના શકાય તેવા જંગલમાં તબદીલ થઈ જાય છે. આ પદ્ધતિથી છોડ 10 ગણા વધારે ઝડપથી વધે છે, 30 ગણા વધારે ગાઢ બને છે, અનેક ગણું વધારે ઓક્સિજન આપે છે અને 100% ઓર્ગેનિક હોય છે. કોઈ આશ્ચર્ય નથી કે આવા જંગલ અસંખ્ય
પક્ષીઓ તથા અન્ય જીવ જંતુઓ માટે સ્વર્ગ સમાન બની જાય છે. વધુમાં માત્ર 3 વર્ષ પછી આ જંગલ આત્મનિર્ભર બની જાય છે અને તેને કોઈ પણ પ્રકારની માવજતની જરૂર રહેતી નથી. જો આ શક્ય હોય તો તેને અમલમાં મુકવામાં વાર શાને લગાડવી? એસ આર પી જૂથ 2 ના સેનાપતિ સુધા પાંડે પણ આ જ વિચારથી આ પદ્ધતિ બાબત જાણકારી મળતા જ તે બાબત શક્ય તેટલી તમામ માહિતી ઈન્ટરનેટ અને અન્ય જ્યાંથી પણ મળી તે મેળવી, આ પ્રકારના પ્લાન્ટેશનના
સ્થાનિક વિશેષજ્ઞો શોધી કાઢી, પોતાના સ્ટાફની આ બાબત જરૂરી તાલીમ અને સેન્સિટાઈઝેશન કરી, લગભગ યુદ્ધના ધોરણે કામગીરી આરંભી માત્ર એક અઠવાડિયાની અંદર પોતાના એસઆરપી કેમ્પમાં 100 ચોમી જગ્યામાં 285 છોડ સાથે પ્રથમ મિયાવકી જંગલ લગાવી દીધું. આ પ્રયોગની જાણ થતાં ગુજરાતના ડીજીપી શ્રી શિવાનંદ ઝાના આદેશથી ગુજરાત પોલીસના તમામ એકમોના 135 જેટલા પ્રતિનિધિઓને પણ આ પદ્ધતિથી વૃક્ષારોપણની તાલીમ SRP જૂથ 2 ખાતે આપવાનું આયોજન ગોઠવાયું. આ તાલીમના કારણે સમગ્ર ગુજરાતમાં તમામ પોલીસ કૅમ્પસમાં તથા પોલીસ દ્વારા આ પદ્ધતિથી મોટા પાયે અને સફળતા પૂર્વક વૃક્ષરોપણની સંભાવનાઓ ઉદભવેલ છે. મિયાવકી પદ્ધતિથી પ્રથમ જંગલ પ્લાન્ટેશન બાદ જૂથ 2 ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સંનિષ્ઠ પ્રયાસો અને અવિરત મહેનતથી માત્ર 17 દિવસમાં બીજા 2 જંગલ લગાવી દેવામાં આવેલ છે.
સુધા પાંડે આ બાબત પૂછતાં જણાવે છે કે ચાલુ વર્ષે તેઓને પોતાના કેમ્પ વિસ્તારમાં 3200 છોડ વવાવાનું લક્ષ્ય મળેલ. જે શરૂઆતમાં તેઓને તેમના ઊંડા વૃક્ષ અને પર્યાવરણ પ્રેમ છતાં અસંભવ લાગેલ. કારણ માત્ર એટલું જ હતું કે લગભગ 70 એકર વિસ્તારમાં ફેલાયેલ એસઆરપી કેમ્પ તેના લગભગ 4000 વૃક્ષો સાથે પહેલેથી જ અમદાવાદના સૌથી હરિયાળા વિસ્તારોમાનો એક છે. કેમ્પના
રહેણાક મકાનો અને કચેરીઓ, મેદાનો બાદ કરતાં બાકી બચતી તમામ જગ્યાએ પરંપરાગત પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં 1500 થી વધુ વૃક્ષો વાવવા માટે જગ્યા જ નહોતી. આવા સંજોગોમાં 3200 ઝાડ ક્યાં વાવવા તે ગંભીર પ્રશ્ન હતો. સામે શક્ય તેટલા વધારે વૃક્ષો વાવી તેમને સફળતાપૂર્વક ઉછેરવાની ઈચ્છા અને સંકલ્પ પણ એટલા જ મજબૂત હતા. આવા સંજોગોમાં તેઓના વૃક્ષપ્રેમ અને પર્યાવરણની જાળવણીની ચિંતાથી વાકેફ એવા તેમના એક
મિત્રે તેમને મિયાવકી પદ્ધતિ વિશે વાત કરી. અને તે દિવસથી જૂથ 2 ખાતે 3 મિયાવકી જંગલમાં, માત્ર 300 ચોમી વિસ્તારમાં, 25 થી 30 જાતના 1088 વૃક્ષો વાવવાનું કર્યા પૂર્ણ થઈ ચૂકેલ છે અને ચાલુ વર્ષાઋતુમાં અન્ય 1000 જેટલા વૃક્ષો આ પદ્ધતિથી વાવવામાં આવનાર છે.
આમ જ્યાં 1500 ઝાડ માટે જગ્યા નહોતી તેવા કેમ્પમાં આ પદ્ધતિથી 15000 ઝાડ પણ લગાવી શકાય તેવી શક્યતાઓ ઉભી થયેલ છે. SRP જૂથ 2 દ્વારા આ કાર્યને માત્ર પોતાના જૂથને અપાયેલ સરકારી લક્ષ્યાંક પૂર્ણ કરવાના પ્રયાસ રૂપે નહીં પરંતુ પર્યાવરણ સુધારણના એક મિશન તરીકે અપનાવવામાં આવેલ છે. તેના જ કારણે સમગ્ર જૂથની ટીમ એક ગ્રીન બ્રિગેડ તરીકે કામ કરી રહી છે અને આ મિશન 'ક્લીન કેમ્પ-ગ્રીન કેમ્પ'ને સફળ બનાવી તેના ઉદાહરણથી અન્ય અનેકોને પર્યાવરણ સુધારણાના ભગીરથ કાર્ય માટે પ્રોત્સાહિત કરવા અને સહાય કરવા તત્પર બનેલ છે.
વૃક્ષારોપણની 'મિયાવાકી' પધ્ધતિ શુ છે ?
-----------------------------------------------------------------------------
મિયાવાકી પધ્ધતિ ના સર્જક એવાં "અકિરા મિયાવાકી" છે. તેઓ જાપાનનાં પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી છે. વિશ્વભરનાં અનેક દેશોમાં તેમણે જંગલ નિર્માણ કર્યા છે.તેઓ એ આ ૧૦૦ વર્ષે બનતું જંગલ ને ૧૦ વર્ષ માં તૈયાર કર્યું છે. એટલે આ પધ્ધતિથી બનાવેલ માનવ સર્જિત જંગલ (Manmade Forest) મિયાવાકીના નામથી ઓળખાય છે.
"મિયાવાકી" પધ્ધતિમાં સર્વપ્રથમ જમીનને ચકાસવામાં આવે છે. જો તેમાં માટીના કણ નાના હોય, તો તે સખત બની ગયેલી હોય છે, જેમાં પાણી ઉતરી શકતું નથી. તે માટે જમીનમાં થોડોક જૈવિક કચરો, થોડુક પાણી તથા શોષક સામગ્રી જેમકે શેરડી અથવા નારિયળના ભુસાનું મિશ્રણ ઉમેરવામાં આવે છે, જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. આ રીતે જમીનને જંગલ માટે તૈયાર કરવામાં આવે છે.
છોડને વધવા માટે પાણી, સૂર્યપ્રકાશ અને પોષક તત્વોની જરૂર હોય છે. જો માટીમાં પોષક તત્વો ન હોય તો તેમાં કૃત્રિમ રીતે પોષકતત્વો ઉમેરવામાં આવતા નથી કેમકે તે પ્રકૃતિ વિરુદ્ધ છે. અલબત્ત તેમાં સુક્ષ્મજીવો ઉમેરવામાં આવે છે. જે જમીનમાં મિશ્રિત જૈવિક કચરાને ખાઈને જરૂરી પોષકતત્વો પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરે છે.આ પ્રક્રિયા દરમિયાન સુક્ષ્મજીવોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો જાય છે અને જમીન પુનર્જીવિત થઇ જાય છે.
શરૂઆત માં જંગલની વૃદ્ધિ દેખાતી નથી કેમકે તે જમીનની અંદર વધતું હોય છે. પહેલા ત્રણેક મહિનામાં મુળ ૧ મીટર જેટલા ઉંડા પહોચી જાળીદાર રચના બનાવીને માટીને ચુસ્તરીતે પકડી રાખે છે. મૂળની જાળમાં રહેલા સૂક્ષ્મજીવો તથા ફૂગ, જરૂરી પોષકતત્વો પુરા પાડે છે.એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ, જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે. ત્યારબાદ બે થી ત્રણ વર્ષ સુધી પાણી આપતા રહેવું પડે છે. તે દરમિયાન ઉગી નીકળેલા નકામાં ઘાસને કાઢી નાખવામાં આવે છે જેથી વૃક્ષોના વિકાસમાં અવરોધ પેદા ન થાય. જેમ-જેમ જંગલ વધતું જાય છે
તેમ-તેમ સુર્યપ્રકાશ રોકાતો જાય છે. અંતે, જંગલ એટલું ઘટ્ટ બની જાય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોચી શકતો નથી અને નકામું ઘાસ ઉગવાનું બંધ થઇ જાય છે. આ સ્તરે, જંગલ પાણીના દરેક ટીપાનું સંરક્ષણ કરે છે અને તેને વરાળ બનીને વાતાવરણમાં ભળતા અટકાવે છે તથા ભેજવાળી હવાનું સંઘનન કરીને ભેજ પાછો મેળવે છે. ધીરે-ધીરે પાણી આપવાનું ઓછુ કરીને અંતે બંધ કરી દેવામાં આવે છે. પાણી વગર પણ જંગલનું તળિયું ભેજવાળું રહે છે. હવે, જયારે પાંદડા જંગલની જમીન પર પડે છે તો તે તરતજ સડવા માંડે છે. આ સડેલો જૈવિક કચરો ખાતર બનીને જંગલને ખોરાક પૂરો પાડે છે. જેમ જંગલ વધતું જાય છે, તેમ
વધુને વધુ પાંદડાઓ ખાતર બને છે અને જંગલનો વિકાસ ઝડપી બને છે અને જંગલ પોતાની જાતે જ વધતું જાય છે.
૧૦૦ વર્ષે બનતું જંગલ, ૧૦ વર્ષમાં તૈયાર
---------------------------------------------------------------------
અમદાવાદ એસ આર પી જૂથ 2 ના સેનાપતિ અને પર્યાવરણ પ્રેમી સુધા પાંડેનું દ્રઢ પણે કહેવું છે કે મિયાવાકી પધ્ધતિ થી જો વૃક્ષારોપણ કરવામાં આવે તો 100 વર્ષે બનતું જંગલ માત્ર 10 વર્ષ માં તૈયાર થાય છે. કારણ કે જો વૃક્ષોને દૂર દૂર વાવવામાં આવે તો તે આટલી જલ્દી વધી શકતા નથી. આમ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાય તો આ જંગલના વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં ૧૦૦ વર્ષે બનતું જંગલ ૧૦
વર્ષમાં તૈયાર થઇ જાય છે.
મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ કરીને આજે કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન,
અમેરિકા, ભારત તથા દુનિયાના અલગ-અલગ દેશોમાં નાના મોટા જંગલો ઉગાડવામાં આવી રહ્યા છે. વિકાસ અને ઔદ્યોગીકરણ થતાં નષ્ટ થઇ રહેલા જંગલોને લીધે પર્યાવરણમાં ઘણા મોટા ફેરફારો થઇ રહ્યા છે જે ચિંતાનો વિષય હોઈ પુનઃવનીકરણ ખુબજ જરૂરી બન્યું છે.