ગુજરાતીઓના માનીતા સ્થળ

24th , June 2019

અરવલ્લી પર્વતમાળામાં

આધ્યાત્મિક સ્થાન ગૌમુખ અને વશિષ્ઠ આશ્રમ

ગુજરાતીઓના માનીતા સ્થળ માઉન્ટ આબુને આધ્યાત્મિક સ્થળ પણ માનવામાં આવે છે. અહીં અર્બુદાચલમાં અરવલ્લી પર્વતમાળામાં અનેક સ્થળો ઐતિહાસિક દ્રષ્ટિએ ઋષિમુનિઓની તપોભૂમિ રહી છે. તે પૈકીનું એક સ્થળ એટલે કે વશિષ્ઠ આશ્રમ.

આબુ પર્વત બસસ્ટેન્ડથી 3 કિલોમીટર દૂર અર્બુદાચલના દક્ષીણ ભાગમાં આ સ્થળ વિશાલ રમણીય જંગલ વચ્ચે છે.લોક પાવની સરસ્વતી અને ગંગા નિરંતર વહ્યા કરે છે. વિશ્વામિત્ર દ્વારા શાપિત થયા બાદ વશિષ્ઠજીએ તેમને મુક્ત કર્યા હતા અને પ્રાર્થના કરેલી કે અહીં આશ્રમમાં જ તે સતત વહ્યા કરે. ત્યારથી આજ સુધી આ વશિષ્ઠ આશ્રમમાં ગૌમુખનું ખાસ પવિત્ર સ્થાન અકબંધ છે તેમાં સ્નાન, ગૌદાન, ગૌસેવા કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્ત થતું હોવાની લોકોમાં શ્રધ્ધા છે. મહાભારતમાં વશિષ્ઠજીના આશ્રમનું વર્ણન કરતા વેદવ્યાસજી લખે છે કે, હિમાલયના પુત્ર અર્બુદાચલની યાત્રા કરતા 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. માઉન્ટ આબુમા ગૌમુખ સુધીનો છેક સુધી પાકો રસ્તો છે અને ત્યાંથી 900 પગથિયાં નીચે ઉતરતા નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે આ સ્થાનના દર્શન થાય છે. સ્વામી નિત્યાનંદશરણદાસજી મહારાજ ત્યાં રહીને સેવા પૂજા કરી રહ્યા છે. રાજસ્થાનના સાર્વજનિક નિર્માણ મંત્રી દ્વારા થોડા વર્ષો પૂર્વે વીજળીની સેવા પણ પૂરી પાડવામાં આવી છે. ઉપરાંત સાધકો માટે રહેવા-જમવાની પણ સગવડો છે.

ઐતિહાસિક મહત્વની દ્રષ્ટિએ પરમાર, ચૌહાણ, સોલંકી અને પરિહાર એ અગ્નિવંશી રાજપૂતોનું ઉત્પત્તિ સ્થાન પણ માનવામાં આવે છે. વશિષ્ઠ આશ્રમમાં પાતાળેશ્વર મહાદેવનું પણ મંદિર દર્શનીય છે. લોકવાયકા મુજબ મહર્ષિ વશિષ્ઠની ઘોર તપસ્યા બાદ પ્રસન્ન થઈને દેવાધિદેવ મહાદેવ પર્વત ભેદીને પાતાળમાંથી લિંગ રૂપે પ્રગટ થયા હતા અને પ્રસન્ન થયા હતા. ત્યારે વશિષ્ઠજી અનેક પ્રકારની સ્તુતિ કરી બોલ્યા કે, "હે મહાદેવ નંદિવર્ધન પર્વતને આપેલું વચન સત્ય સિદ્ધ કરો” મહાદેવે કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આ લિંગમાં હંમેશા હું વિદ્યમાન રહીશ. તમારું વચન સત્ય થશે. પાર્વતી, ગણેશ, સિદ્ધિ માતા અને તમામ ગણ પણ પાતાળથી પ્રગટ થયેલા પાતાળેશ્વર મહાદેવમાં હાજરાહજૂર રહેશે. તેમના દર્શનથી ભાવિકો પ્રસન્ન થશે. આમ પાતાળેશ્વર મહાદેવ, ગૌમુખ, વશિષ્ઠ આશ્રમ વર્ષોથી સાધનાનું કેન્દ્રબિંદુ રહ્યું છે

સાધકો નજીકમાં જંગલ વચ્ચે અન્ય ધાર્મિક સ્થળોએ પણ ફરી શકે છે. જોકે સમગ્ર વિસ્તાર રીંછ અને દીપડાના કબજામાં હોવાથી દર્શને જતા સાવચેત રહેવું જરૂરી છે. છતાં સાધનાના સ્થળો આ રીતે ઘનઘોર જંગલો, પહાડો વચ્ચે માનવ સમુદાયથી દૂર જ હોય એ ન્યાયે શ્રદ્ધાળુઓ માટે મહત્વનું સ્થાનક છે. માઉન્ટ આબુમાં બસ સ્ટેન્ડથી ગૌમુખ રોડ પહોંચ્યા બાદ 3 કિલોમીટરનો રસ્તો ઘનઘોર જંગલ વચ્ચે જ છે. રાત્રી રોકાણ નિરવ શાંતિ પ્રદાન કરે છે. તેમાં પણ સવાર-સાંજની આરતી વચ્ચે વૃક્ષો, વનસ્પતિઓ, ટેકરીઓ વચ્ચે પરબ્રહ્મનો અદ્ભૂત નાદ સંભળાય છે. વશિષ્ઠ આશ્રમમાં ઈન્દ્રદેવની મૂર્તિના દર્શન પણ અલૌકિક છે.

- જિજ્ઞેષ ઠાકર (માઉન્ટ આબુથી)

   ભાવનગર