સુરતની દુર્ઘટના : ડુસકા માત્ર પરિવારને ભરવાના...
આગોતરું આપદા પ્રબંધન ક્યારેય નહીં થાય..?
ઘરમાં મરણની ઘટના બને ત્યારે પહેલા દિવસે રોવાનું- કકળવાનું વધુ હોય છે, દિવસો જતા જાય તેમ ભૂલી જવાનું અને માંગલિક પ્રસંગો થતા હોય છે, કરતા હોઈએ છીએ... સુરતમાં દુર્ઘટનામાં માસૂમોની જિંદગી છીનવાય છે, આજે આક્રંદ છે, વર્ગ ચલાવનારા, સ્થાનિક તંત્ર અને સરકાર પર આક્રોશ વ્યક્ત કરી દઈ... દિવસો જતા રહેશે બધા જ ભૂલી જશે... ડુસકા માત્ર પરિવારને જ ભરવાના...
સુરતની દુર્ઘટના સૌ ભૂલી જશે, એક પખવાડિયું જવા દો... સૌ ભૂલી જશે... બીજી ઘટના, બીજા પ્રસંગોમાં સૌ લાગી જશે.હા, જેમના પરિવારમાં ખોટ પડીછે, તેને લાંબા ગાળા સુધી પિડા રહેશે... પણ માત્ર તેને જ...! પૂરો સમાજ તો માત્ર આજકાલ જ સાથે રહેશે...
બે-શરમ સમાજ છે કે સરકારી તંત્ર...? દુર્ઘટના માનવસર્જિત હોય તેમાં નફફટાઈ કોની? શાસકો કે શાસન એટલે નાગરિકો જ ને વળી? એક વ્યવસ્થા છે તેમાં હું, તમે અને તેઓ બધા જ વધતા -ઓછા અંશે જવાબદાર છીએ, જેઓના પાપે આવી ઘટના -દુર્ઘટના સર્જાતી રહે છે, સર્જાતી રહેશે... બે-શરમીની હદ તો ત્યારે થઈ જયારે અહીં ઉભેલાઓ બચાવકામને બદલે તસવીરો ખેંચતા રહ્યા, ફટય છે...!
સુરતમાં એક શૈક્ષણિક વર્ગમાં આગ લાગવાનું કારણ શું? ગુજરાતભરના વર્ગો જવાબદાર છે? તેના પર ઘોંસ બોલાવવાથી શું? આગ લાગવા માટે વર્ગ સંચાલક જવાબદાર છે કે ઇમારત માલિક, બાજુમાં વીજળી તંત્રના થાંભલા કે અગ્નિશમન દળ ?
વાત થોડી આડી લઈએ... ગયા વર્ષે ભાવનગર જિલ્લામાં રંઘોળા ગામે નાળા પરથી જાનનું વાહન નીચે પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો... સરકારી વાહનવ્યવહાર કચેરીમાં તંત્રે ઘોંસ બોલાવી, હજારો વાહનો મુદત વિતેલા ફરતાં હતાં, હજુએ ફરે છે... આંકડાઓ અપાયાને કેટલાકને પકડવામાં આવ્યા. માર્ગ વિભાગે અધૂરા કામની જગ્યાએ ચૂનો ચોપડીને રેતીના થેલા મૂકી દીધા... વખોડી કઢાયું... પછી આજે?
આજે ભાવનગર ધોલેરા માર્ગ, ભાવનગર મહુવા માર્ગ, અન્ય માર્ગો પર નાળાઓના માંચડા ગમે ત્યારે અકસ્માતો સર્જે તેમ પડ્યા છે... જવાદો, અકસ્માત સર્જાય ત્યારે તાબડતોબ કામ બતાવી દઈશું, તપાસના આદેશ દેવાઈ જશે... બોલો... કામ પત્યું...? ... પણ મૃત્યુ થયા તેનું શું...?
ક્યાંય કશું જ નહીં થાય... સુરતની ઘટના પછી માત્ર શૈક્ષણિક વર્ગોની જ તપાસ અને ઘોંસ શા માટે? કેટલીયે શાળાઓ પણ આવી છે... તેનું શું?... તેનું અત્યારે કશું નહીં, કારણ કે કોઈ શાળામાં આવું થયું નથી, તેમ થાય ત્યારે રાજ્યભરમાં અધિકારીઓ દોડી જશે, જડબેસલાક પગલાં ભરાશે... થવા તો દો..! સમજાય છે આપણી કાર્યપ્રણાલી..?
માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં જ અગ્નિશમન વ્યવસ્થા અંગે ઢોલ પિટવાનો રહેવા દો, મનોરંજન સ્થાનો, જ્ઞાતિની વાડી કે જે તે વિસ્તારની સામાજિક વાડીઓ... અરે સરકારી કચેરીઓ... કઈ જગ્યાએ અગ્નિશમન પ્રણાલિ સુદ્રઢ રહેલી છે... એટલું જ નહીં સરકારી કચેરીઓની તો તપાસ કરો, જ્યાં નાગરિકો- અરજદારો મોટી સંખ્યામાં રહેતા હોય છે... ના તો, અત્યારે તો માત્ર શૈક્ષણિક વર્ગો ઉપર જ સપાટો શા માટે?
સુરતની આ દુઃખદ ઘટના પછી માત્ર દસ પંદર દિવસ બાદ બધું ભૂલી જવાનું છે... વળી પાંચ - પચ્ચીસ મહિના બાદ નવી દુર્ઘટના થયે, વળી તેમાં સરકાર અને સમાજ આકરા પગલાં લેવા કટિબદ્ધ થશે... અત્યારે માત્ર અને માત્ર સમાજના નિ:સાસા , ઉહકારા તેમજ સરકારના નિવેદનો તથા તપાસના આદેશ...
શૈક્ષણિક વર્ગો સિવાય પણ અકસ્માતો થવાના છે, તે સામે કેમ આગોતરા આપદા પ્રબંધનના પગલાં ભરાતા નથી?... ડુસકા માત્ર પરિવારને જ ભરવાના રહે છે, આગોતરું આપદા પ્રબંધન ક્યારેય નહીં થાય? ૐ શાંતિ ૐ શાંતિ..!