કિગાલી : રવાન્ડામાં રામકથા
પ્રજા કાળી - જીવન ઉજળા
આપણે ત્યાં ભજન પરંપરામાં વિરોધાભાસ સાથે ગુણ - અવગુણના ઉલ્લેખ તથા શીખ વગેરે મળે છે, જેમ કે, કોયલ કાળી પણ કંઠ રૂડો, બગલા સફેદ પણ તેનો ખોરાક ખરાબ... વગેરે. કેટલાક પ્રદેશ વિશે આપણી માન્યતાઓ પણ એવી રહેલી છે, જેમ કે આફ્રિકા એટલે લૂંટફાટ અને તોફાન... આફ્રિકા ખંડ વિશાળ છે તેના ઘણા દેશો છે, તેમાં તમામ દેશ-પ્રદેશ આવા નથી, એવું જાણવા મળ્યું શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા દરમિયાન પ્રવાસમાંથી.
રવાન્ડા દેશની રાજધાની કિગાલીમાં શનિવાર તા.20થી રવિવાર તા.28 દરમિયાન રામકથા યોજાઈ ગઈ, જેમાં સ્થાનિક ઉપરાંત ભારતથી અને વિશ્વના અન્ય ભાગોથી ગુજરાતી તથા હિન્દી ભાવિક શ્રોતાઓએ કથા રસપાન કર્યું, શ્રી મોરારિબાપુ અમોને પણ લઈ ગયા.
કિગાલી - રવાન્ડામાં યોજાયેલી રામકથામાં ખુબ ખુબ જાણવા અને માણવા મળ્યું. રામકથાના શ્રવણમાં અને આ પ્રદેશના પર્યટનમાં... પ્રજા કાળી છે, પણ તેના જીવન ઉજળા છે. શ્રી મોરારિબાપુના સત્ય, પ્રેમ અને કરુણાના સંદેશ તેમણે સાંભળ્યા નથી તોયે જીવનમાં રહેલા લાગ્યા. રામકથાના સથવારે રવાન્ડામાં વિવિધ માહિતી અને મોજ મળી જે મુદ્દાવાર અહીં નોંધ કરી છે.
* રામકથા દરમિયાન શ્રી મોરારિબાપુએ કહ્યું કે, દૂર દૂરથી આવેલા શ્રોતાઓને કિગાલી અને અન્ય પ્રાંતોમાં ફરવા જવું હોય તો છૂટ છે. ભારતમાંથી તેમજ અન્ય દેશોમાંથી અહીં દૂર સુધી આવેલા છે, તેઓએ આજુ બાજુ ફરી લેવું... અને કથા આયોજકો દ્વારા જ નજીકના સ્થળોએ વાહન વ્યવસ્થા કરી પર્યટન વ્યવસ્થા કરાવાઈ.
* આ પ્રદેશ - પ્રજામાં ધાર્મિક કાર્યક્રમોમાં પગરખાં કાઢવાનો રિવાજ નથી. રામકથામાં બધા શ્રોતાઓએ સૌના પગરખાં બહાર કાઢ્યા તે અહીંના સમાચાર માધ્યમોમાં સમાચાર બન્યા કે આ કથા કાર્યક્રમમાં સૌ પગરખાં બહાર કાઢે છે, જેનો જથ્થો જોવા મળે છે.
* કિગાલી રાજધાની છે એટલે સુંદર અને સમૃદ્ધ છે પણ ગ્રામ્ય પ્રદેશગહમાં ખુબ ગરીબી છે. શ્રી મોરારિબાપુ કાર્યકર્તા આગેવાનો સાથે ગામડાઓમાં ફર્યા, ઘરવખરીની સામગ્રી આ પરિવારોને અર્પણ કરી.
* વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ આદેશ રૂપે ટકોર કરી કે અહિના ગુજરાતી ઉદ્યોગપતિઓ અહિના નાના માણસોની મજૂરીથી ધનવાન થયા છો, તેનું શોષણ ન થાય અને પોષણ થાય તે ફરજ બને છે. આ સંદેશો સૌના હૃદયને સ્પર્શી ગયો.
* રામકથામાં શ્રી મોરારિબાપુ વ્યાસપીઠ પર પહોંચે ત્યાં સુધી સાત જેટલા સલામતી રક્ષકો ઘેરાયેલા રહેતા હતા. શ્રી મોરારિબાપુની ના હોવા છતાં આ સુરક્ષા રહેતી હતી.
* કિગાલી શહેર તથા પ્રદેશ સ્વચ્છ અને સુંદર હરિયાળી ધરાવે છે. પાટનગર કિગાલી લગભંગ એક હજાર નાની મોટી ટેકરીઓ પર વસેલું નગર છે. આફ્રિકા ખંડના સૌથી સુંદર-સ્વચ્છ નગરો પૈકીનું નગર છે.
* પાટનગર કિગાલીમાં મહિનાના ચોથા શનિવારે સ્વૈચ્છિક રીતે વાહનોના ઉપયોગ પર બંધી છે, સૌ સાયકલોનો ઉપયોગ કરે છે. આ દિવસે દરેક ઘરની સફાઈ થાય છે, જેમ આપણે દિવાળી પર વાર્ષિક સફાઈ કરીએ છીએ તેમ અહિ દર માસે સાફ-સુફી થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં ઝુંપડા જેવા મકાનોમાં પણ આ દેખાયું. સ્વચ્છતા એ આગ્રહ કે કાયદો નહીં પણ ટેવ બની ગયેલ છે.
* પૂરા પ્રદેશમાં વાહનોમાં મોટી મોટર ગાડી પછી સાયકલ જ છે. મૂસાફરો માટે ભાડુતી રીક્ષા જેવા વાહનો નથી. મૂસાફરો માટે મોટર સાયકલ છે, જે ચાલાક પાછળ એક વ્યક્તિને બેસાડી માથે ફરજીયાત ટોપો પહેરાવી તેના સ્થળે પહોંચાડે છે. સ્ત્રી કે પુરુષ તે એક જ આવી ગાડીનોઓનો ઉપયોગ કરે છે.
* ગ્રામ્ય પ્રદેશમાં ખેતિવાડીમાં પાક કે કોઈ સામગ્રી હેરફેર માટે ટ્રેક્ટર જેવા સાધનો ન દેખાયા. ખેતિ પણ એ પ્રકારની છે. સાયકલ પર જ કેળાની લૂમો તેમજ અન્ય સામગ્રી ધક્કા મારીને લઈ જતા જણાયા.
* મોંઘવારી ખૂબ છે. દુકાનદારો કીધેલા ભાવમાં રકઝક કરો તો અડધાથી ઓછા ભાવે પણ જે તે વસ્તુ વેચે છે. ચા કોફી પીવી હોય તો મોટા કપ બે વ્યક્તિ પી શકે તેના 1,000થી 1,500 રવાન્ડી ફ્રેન્ક થાય જે આપણા 100થી 150 રૂંપિયા થાય. સામાન્ય રીતે ભાવ આપણાથી દશ ગણા છે. કિગાલી જુના વિસ્તારમાં બજાર જેવું છે, બાકી કોઈ જગ્યા એ લારી, ગલ્લા કે બહાર દુકાનો દબાણ નથી.
* કિગાલીથી અકાગેરા ઉદ્યાનના રસ્તા પર એક પેટ્રોલ પંપ પર ઉભા રહેતા પેશાબ કરવા જતા મુતરડી પર સ્પષ્ટ રીતે લખાયેલું હતું કે પેશાબ કરવાના 500 રવાન્ડી ફ્રેન્ક, આપણા 50 રૂપિયા થાય. અમારે ચૂકવવા પડ્યા.
* કિગાલી શહેરથી લગભગ 90 કી.મી. દૂર અહેમા સરોવર પ્રવાસી ઉદ્યાન અકાગેરા આવેલું છે, જ્યાં જિરાફ, હાથી, ઝિબ્રા, જંગલી ભેંશ, વિવિધ પ્રકારના હરણ, વાનર, મગર, હિપોપોટેમસ, ચિત્તા તેમજ વિવિધ પક્ષીઓ નિહાળવા મળ્યા.
* અકાગેરા ઉદ્યાનના સ્વાગત સ્થાન પર બે શિક્ષિત યુવાનો લેપટોપ પર કામ કરતા હતા, તેઓને અમો ભારતીય છીએ તેવું જણાવતા મોં પર સ્મિત આવ્યું અને 'મહાટમા ગાંઢી' ઉચ્ચાર કર્યો।.. સામે અમે પણ 'નેલ્સન મંડેલા' કહેતા ખૂશ થયા.
* રવાન્ડાની સરકારના સંપર્કથી સમાચાર અહેવાલ પ્રતિનિધિ રૂપે ત્યાંના મહેમાન તરીકે અમોને ગોરિલા રાષ્ટ્રીય ઉદ્યાન 'વોલ્કાનોસ' નિહાળવા મળ્યું જેનું આપણા ચલણમાં રૂ/. એક લાખ શુલ્ક થાયછે. અહિં વાહન, ચા-કોફી અને ઉદ્યાન વિનામૂલ્યે પ્રવાસ માણ્યો.
* પ્રવાસન સ્થાનો કે શહેરમાં દુકાનદારોની પ્રેરક ખાસિયત એ જોવા મળી કે કંઈ પણ વસ્તુ ખરીદવા જાવ ત્યારે જે આવકાર શબ્દો હોય તેવા જ શબ્દો અને સ્મિત વસ્તુ ન ખરીદો તો પણ જોવા સાંભળવા મળે છે.
* અહિની પ્રજા કાળી ચામડીની છે. 'તુત્સી' અને 'હુતુ' જાતિના આ માણસોમાં તુત્સી પ્રજા ઊંચી છે, હુતુ પ્રજા ટુંકા શરીર ધરાવે છે. કુદરતી જ ટુંકા વાળ છે. ઉપરથી બીજા વાળ લગાવી ગૂંથણી કરાવે છે.
* આ પ્રદેશમાં સ્ત્રી -પુરુષ વચ્ચે જાતિય ભેદ ઓછો છે. ગમે તે યુવતી સ્ત્રી સાથે ખુબ જ નજીક તસવીરો ખેંચવો તો તેનો ક્ષોભ નથી. પોતાના પુરુષ સામે સ્ત્રી એકલી અન્ય પુરુષો સાથે તસવીરો ખેંચાવે છે.
ટૂંકો ઇતિહાસ, કિગાલીમાં તૂત્સી અને હુતુ જાતિની પ્રજા વસે છે. 25 વર્ષ પહેલા થયેલા જાતિય સંઘર્ષમાં એક લાખથી વધુ લોકોની હત્યા થઈ.નરસંહારની આ ઘટનાથી હવે શું? પ્રજા સમસમી ગઈ છેવટે હિંસા આક્રોશ હળવા થયા. બચી ગયેલાઓમાં ભરપૂર પશ્ચાતાપ થયો. શાંતિ અને એકતા માટે ડગલાં ભરાવા માંડ્યા. શાંતિ કરારો થયા અને ધર્મના નામે નહીં માણસ તરીકે જીવવા લાગ્યા, આ પ્રતાપે ટૂંકા ગાળામાં વિકાસ દર પણ સફળ રહ્યો. આ નગર કિગાલી, આ દેશ રવાન્ડા... શ્રી મોરારિબાપુએ કથામાં કહ્યું હતું તેમ અમોને રામકથાના રવાડે રવાન્ડા જોવા, જાણવા અને માનવ મળ્યું...! ... પ્રજા કાળી છે, પણ સારી છે... હો...!
-મૂકેશ પંડિત
કિગાલી ખાતેની આ રામકથામાં શ્રી મોરારિબાપુ તરફથી લઈ જવાતા અમો ચાર મનોજભાઈ જોશી (નિવૃત્ત પ્રાધ્યાપક - મહુવા), તખુભાઇ સાંડસુર ( માધ્યમિકશાળા - આચાર્ય - વેળાવદર ), જીતેન્દ્ર જોશી ( કુંઢેલી/ કેન્દ્રવર્તી શાળા - આચાર્ય - શેત્રુંજી ) અને હું પોતે મૂકેશ પંડિત ( મૂક્ત પત્રકાર - ઈશ્વરિયા ) સુંદર લાભ લઈ શક્યા. કથા સમાચાર અહેવાલ આલેખન સાથે ભ્રમણ લાભ મળ્યો. આયોજક શ્ર્રી આશિષભાઈ ઠક્કર પરિવાર તરફથી ખુબ સાચવવામાં આવ્યા.