દેશ માટે જીવી જવાની પણ જરૂર હોય છે
જે આપણે ચુકી જઇએ છીએ.
આનંદ પણ થાય છે કે લોકોની નસોમાં હજી ભારત ધગધગે છે.
કાશ્મીરની ઘટના આમ દેશમાં એક જુવાળ લાવી દીધો છે.
લોકો રસ્તા પર આવી ગયા છે ,રસ્તાઓ રોકી ચોક વચ્ચે સળગાવી રહ્યા છે.
ડીપી બદલાવી રહયા છે,
અસંખ્ય મેસેજ ફોરવર્ડ કરી ડેટા વાપરી ને કંપનીઓ ને ફાયદો કરાવવી રહ્યા છે.
પાનના ગલ્લે માવાનું કહીને સહતમાકુ મિત્રને સમજાવે છે કે શ્રી મોદી સાહેબે શું કરવું જોઇએ.
જે લોકો પોતાના ઘરની ગટર સરખી નથી કરાવવી શકતા ને રસ્તો આખો ખરાબ કરે છે એ લોકો કહે છે કે જમ્મુ કાશ્મીર માંથી કચરો કેમ સાફ કરી શકાય!!
જે લોકો આવાં આતંકવાદના ભયના કારણે દેશના સુંદર પ્રદેશમાં જતાં નથી એ લોકો આજ સરહદ પર આમ કરી નાંખવું જોઈએ એમ કહે છે.
જે લોકો રસ્તા પર કોઈ છોકરીને કોઈ હેરાન કરતું હોય તે પાછું વળી વળી ને ખાલી જોવે જ છે એ લોકો કહે છે કે " યુદ્ધ એ જ વિકલ્પ છે !"
જે લોકો પિક્ચર શરૂ થતાં પહેલાં આવતાં રાષ્ટ્ગીતમાં ચાલું ગીતે થિયેટરમાં પ્રવેશ કરી રહેલા પોતાના ભાઈબંધને રાડ પાડી ને કહે છે" એ ભૂત અહીં આ લાઇન" એ લોકો આજ રોડ પર બાપુજીના રાજમાં લોન પર લીધેલ બાઇક પર રાષ્ટ્રીય ધ્વજ લઈ ને રાડો પાડીને ભારત માતા કી જય બોલીને પસાર થતાં એક વૃધ્ધ ન સાઇકલ પરથી પાડી દેવું .
રોજેરોજનું જે કમાઈ ખાઈ છે એ લોકોની દુકાનો બંધ કરાવવી, લારી ઉભા રહેવાં દેવી એવું જ હોય તો જાવ મોટી મોટી ફેક્ટરીઓ બંધ કરવા .
અરે શહીદોની પાછળ રોડ વચ્ચે મંડપ ઉભો કરી મોટી સાઈઝના બેનર બનાવી હજારો મીણબત્તી જગાવી સંખ્યા ગણવી , મોઢામાં માવો ભરીને ખુરશી નાખી ત્યાં બેસવું એના કરતાં આટલાં જ પૈસા થી એ સૈનિકોના ઘરે મોકલાવો જ્યાં જીવનએ અંધકાર કર્યો છે.
તેમની આત્માની શાંતિ માટે હવનમાં ઘી હોમવા, પ્રસાદી આપવી એ કરતાં એ ઘરોમાં ઘી પહોચાડીએ, જ્યાં હવે રોટલી પર શું ચોપડવું એ સવાલ છે. ...ને જે સરકારી કર્મચારીઓ પોતાની ઓફીસના કામ અધૂરા મૂકીને મોબાઈલમાં ,ઓફીસના કોમ્પ્યુટર પર ન્યુઝ જોઈને લાલપીળાં થઈ રહયા છે એ લોકો આપે એક દિવસનો અડધો પગાર એ વિધવાઓને.!
દરેક શાળા ,કોલેજ જે લોકો 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપે છે એ લોકો 1 રૂપિયો વ્યક્તિ દીઠ મગાવી એ શહિદોના બાળકોના શિક્ષણમાં આપે તેમને અત્યારે 2 મિનિટ મૌનની જરૂર નથી, કોઇ પાસે આવીને બે શબ્દો બોલીને ધરપત આપીને જવાદરી લે તેની છે!
કેટલી માહિતી ભેગી કરીને ફોરવર્ડ કરીએ છીએ તો એક આ બધા શહિદોના નામ ,સરનામું, ફોન નંબર મેળવી મદદ માટે પુછી એક ઝૂંબેશ ચલાવવાની ઈચ્છા નથી થતી? બસ, ભારતબંધ, નારાઓ, મીણબત્તીઓની જ ઈચ્છા થાય છે?
એવા નાગરિકો જોયાં છે કે જે ધર્મયાત્રા દરમિયાન તેમની સલામતી માટે ,તેમની સફળયાત્રા માટે જે સૈનિકો ત્યાં ઉભા પગે હોય છે તેમને પ્રસાદીમાં રંગીન મમરા આપે ને ધ્યાન રાખે કે એ પ્રસાદીના કાજુ બદામ આવી ના જાય ખાલી મમરા આપીને કહે જય માતાજી , તમે લોકો છો તો આ બધું સુરક્ષિત છે !!!
10 વર્ષ પહેલાં લેહમાં એક હીરાલાલ યાદવને મળી હતી. કારગીલ યુદ્ધ જોઈને તેમને એવું લાગી આવ્યું કે પોતાની કેળાની લારી મૂકી એ તમામ વિધવાઓને , તેમના સંતાનોને મળી માહિતી ભેગી કરી દરેક જગ્યાએ આ લોકોની કથા કહે, કવિતા રચે ને યોગ્ય મદદ માટે અપીલ કરે ને ત્યાં સુધી પહોંચાડે... આને કહેવાય દેશભક્તિ ને દેશદાઝ!
હમેશા દેશ માટે મરી જવાની જરૂર નથી દેશ માટે જીવી જવાની પણ જરૂર હોય છે, જે આપણે ચુકી જઇએ છીએ.આપણા બહાદુર વીર જવાનો તેની ફરજ બજાવીને અમર થઈ ગયા આપણે આપણા ભાગે જે પણ કામ કે ફરજ આવે તે નિષ્ઠાથી અદા કરીએ તો એ દેશસેવા જ છે.
આપણી લાગણીઓ, દેશભક્તિ પણ ક્યાંક વર્ચ્યુઅલ થઇ ગઇ છે, રીઅલ તો આ શહિદો કરી ગયાં.
સરકાર, મોદી સાહેબને જે કરવાનું હશે તે કરશે તેના સમયે પણ આપણે આ સમય નાચુકીએ....
નહિ તો, આવતાં વર્ષે આજ દિવસોમાં તેમને યાદ કરી દેશભક્તિના ગીતો ની સ્પર્ધા રાખશું, ને ફરી 2 મિનીટ નું મૌન પાળશું..!
- નેહલ ગઢવી