સૌરાષ્ટ્રનાં મહિલા ધારાસભ્યો: છેલ્લા બે દાયકાનો ઇતિહાસ..

20th , February 2019

         સૌરાષ્ટ્રની આ વખતની વિધાનસભા બેઠકો ઉપર દ્રષ્ટિગોચર કરતાં ખ્યાલ આવે છે કે, છેલ્લી 3 ચૂંટણીઓનાં પરિણામોની સરખામણીએ સૌથી ઓછાં મહિલા ધારાસભ્યો બન્યાં છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે, રમન્તે તત્ર દેવતાની વાત અહીં લાગુ પડતી નથી. સમગ્ર સૌરાષ્ટ્રનાં 11 જિલ્લાઓમાંથી માત્ર 2 મહિલા ધારાસભ્યો વિભાવરીબેન દવે અને ગીતાબા જાડેજા પ્રતિનિધિત્વ પામ્યાં છે.
         આમ પણ અગાઉની જૂની છાપ એવી છે કે, સૌરાષ્ટ્રનાં મહિલાઓ માત્ર રોટલાં ઘડવા માટે ઘરમાં જ રહે છે. છેલ્લા દસકાથી તેમાં પરિવર્તન જણાતું હતું પરંતુ આ વખતની ચૂંટણીમાં તે વાત ફરી પૂરવાર થઈ છે. 2012ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી 7 ધારાસભ્યો તરીકે મહિલાઓ પહોંચી હતી. વઢવાણથી વર્ષાબેન દોશી, રાજકોટ ગ્રામ્યમાંથી ભાનુબેન બાબરિયા, જામનગર દક્ષિણથી વસુબેન ત્રિવેદી, ખંભાળિયાથી પૂનમબેન માડમ તેમજ એકલા ભાવનગર જિલ્લામાંથી જ મહુવા - ભાવનાબેન મકવાણા, તળાજા - ભારતીબેન શિયાળ અને ભાવનગર પૂર્વ - વિભાવરીબેન દવે. એ જ રીતે તેની પહેલાં 2007માં પણ 7 જ મહિલા ધારાસભ્યો હતાં. જેમાં જેતપુરથી જશુબેન કોરાટ, જામનગરથી વસુબેન ત્રિવેદી, વઢવાણથી વર્ષાબેન દોશી, કેશોદથી વંદનાબેન મકવાણા, રાજકોટ રૂરલથી ભાનુબેન બાબરિયા, તળાજાથી ભાવનાબેન મકવાણા અને ભાવનગર ઉત્તરથી વિભાવરીબેન દવેનો સમાવેશ થાય છે. 2012 અને 2007ની સરખામણીએ મહિલા ધારાસભ્યો ફરી રસોડામાં પહોંચી ગયા હોય તેમ આ વખતે માત્ર ભાવનગર પૂર્વમાંથી વિભાવરીબેન અને ગોંડલથી ગીતાબા 2017 વિધાનસભા સુધી પહોંચ્યા છે. 
          33% અનામતની માત્ર વાતો વચ્ચે ભાજપ-કોંગ્રેસ બંનેની ઈચ્છા ઓછી હોય તેમ સમગ્ર સૌરાષ્ટ્રની 48 બેઠકો ઉપર આ વખતે ટિકિટ પણ માત્ર 3 જ ફાળવી હતી. જેમાં ભાવનગર પૂર્વમાં કોંગ્રેસનાં નીતાબેન રાઠોડ પરાજીત થયાં અને આ બંને ભાજપનાં ધારાસભ્યો જીતી શક્યા છે. પુરુષ સમોવડી મહિલાની વાતો એક તરફની વાત છે અને ભાગ્યે જ મહિલાઓને આવવા દેવાં એ બીજી વાત છે. ફક્ત સૌરાષ્ટ્રના મહિલા ધારાસભ્યોની વાત કરીએ તો આ વખત કરતાં તો 2002માં સ્થિતિ સારી હતી. ત્યારે 4 મહિ‌લા ધારાસભ્યો હતાં. રાજકારણમાં બંને પક્ષો દ્વારા મહિલા મોર્ચાથી માંડી તેમનાં પ્રમુખો અને કાર્યકરોની ફોજ તૈયાર કરવામાં આવે છે. મતદાન કરાવવા તેમનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પરંતુ ટિકિટ આપવાની વાત આવે ત્યારે પુરૂષો જ આગળ રહે છે. 
          સૌરાષ્ટ્ર કરતાં ઉત્તર ગુજરાતનાં મહિલા ધારાસભ્યો ભલે વધુ હોય પરંતુ જો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ફરી અહીં પણ મહિલાઓ લઘુમતીમાં જ છે. આ વખતે સમગ્ર ગુજરાતમાંથી 12 મહિલા ધારાસભ્યો વિજેતા છે. જે આંકડો 182 બેઠકો સામે પાંગળો છે. 1962થી પ્રથમ વિધાનસભા વખતથી અત્યારે છેલ્લે 2017 સુધીનું વિશ્લેષણ કરીએ તો રાજ્યનાં મંત્રીમંડળમાં મહિલા ધારાસભ્યોને અન્યાય જ થયેલો છે. માંડ 15 જેટલાં મહિલા મંત્રીઓ બની શક્યા છે. 
          વાત ગુજરાતનાં ગમે તે છેડાની હોય કે ખાસ સૌરાષ્ટ્રની હોય પરંતુ મહિલા ધારાસભ્યોમાં 33% અનામત ક્યાંય જળવાતું નથી. 2014 મેથી 2016 નવેમ્બર સુધી રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનેલાં આનંદીબેનના કાર્યકાળમાં જ આ ખરડો પસાર થયો હતો. એ સમયને એક વર્ષ માંડ વિત્યું ત્યાં ટિકિટ ફાળવણીમાં જ અનામતનો છેદ ઉડી ગયો હતો. સૌરાષ્ટ્રનાં 11 જિલ્લાઓની સ્થિતિ તો વધુ ખરાબ કહેવાય કારણ કે તેમાંથી માત્ર 2 મહિલા ધારાસભ્યો જ વિધાનસભાનાં ઉંબરે છે. જો કે તે પૈકી વિભાવરીબેનને મંત્રીપદ આપીને થોડું સમતોલન સાધવાનો પ્રયાસ જરૂર થયો છે.

-આ વખતની વિધાનસભામાં કુલ 12 મહિલા ધારાસભ્યો:
સૌરાષ્ટ્રની વાત છોડી દઈએ અને સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કુલ 12 મહિલા ધારાસભ્યો વિજેતા છે. જેમાં આશાબેન પટેલ, ચંદ્રિકાબેન બારિયા, નિમાબેન આચાર્ય, વિભાવરીબેન દવે, ગીતાબા જાડેજા, ઝંખનાબેન પટેલ, મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, સંગીતાબેન પાટિલ, સુમનબેન ચૌહાણ, માલતીબેન મહેશ્વરી, સંતોકબેન, ગેનીબેનનો સમાવેશ થાય છે. જો કેબિનેટ મંત્રી કે મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો પણ ગુજરાતનાં અત્યાર સુધીનાં ઈતિહાસમાં એકમાત્ર આનંદીબેન પટેલનું નામ દેખાય છે. તેઓ એકમાત્ર સીએમ હોવાં ઉપરાંત સતત 10 વર્ષ સુધી કેબિનેટમાં રહેલા મંત્રી છે. આમ રાજ્યમાં મહિલાઓની સ્થિતિ સુધારવાની વાત દિલ્લી હજી દૂર છે જેવી છે. આગામી દિવસોમાં સ્થિતિ પલટાય તે રાજકારણ માટે અતિ આવશ્યક છે.

-1962થી વિધાનસભાનાં મહિલા મંત્રીઓ :
1962ની પ્રથમ વિધાનસભાથી શરૂ કરીને 2017ની છેલ્લી વિધાનસભા સુધીમાં 15 જેટલા મહિ‌લા ધારાસભ્યોને મંત્રીપદ અપાયું છે. તેમાં સૌપ્રથમ 1985માં શાંતાબેન મકવાણા, ત્યાર બાદ ક્રમશઃ ઉર્મિલાબેન ભટ્ટ, આયેશા બેગમ શેખ, સુશિલાબેન શેઠ, કોકિલાબેન વ્યાસ, ગીતા દક્ષિણી, ઉર્વશીબેન દવે, ચંદ્રિકાબેન ચુડાસમા, જશુબેન કોરાટ, હેમાબેન આચાર્ય, વસુબેન ત્રિવેદી, આનંદીબેન પટેલ, માયાબેન કોડનાની, નિર્મળાબેન વાધવાણી, વિભાવરીબેન દવેનો સમાવેશ થાય છે. જે આંકડો 55 વર્ષનાં ઇતિહાસમાં પ્રમાણમાં ઘણો ઓછો કહેવાય.

- જિજ્ઞેષ ઠાકર   aksharnaad.com