કોણ ગણિકા?

17th , December 2018

કોણ ગણિકા?

ગણિકા એટલે શું ફક્ત શરીર વેંચે એ કે હું ને તમે પણ ?

     બનારસ નગર આજે કંઈક વધુ પડતું શાંત લાગી રહ્યું છે. વાતાવરણમાં બેચેન કરી મૂકે તેવી ઉદાસી છવાઈ છે. આજનું સંધ્યાટાણું પણ વધુ પડતું ગમગીન અનુભવાય છે. શું થવાનું છે? કારણ એ છે કે આજે વાસંતીના જીવનની સંધ્યા ઢળી ચૂકી છે. તેના જીવનનો સૂર્યાસ્ત થવામાં છે. બનારસની એક સમયની પ્રસિદ્ધ ગણિકા અને નગરવધૂનું જીવન અસ્તાચલની તરફ ગતિ કરે છે. જેણે નગરની અનેક વ્યક્તિઓને‘સંતુષ્ઠ’(!) કરી હતી તેની પાસે અત્યારે કોઈ નથી ! એકલી અટૂલી વાસંતી મૃત્યુની નજીક છે. વાસંતીના શરીરને શોષાવાની ફરજ પડાતી હતી,આત્મા પર ક્યાં કોઈ ગ્રાહકનો કાબુ હતો ! મન અને આત્મા જેને શોધતા હતાં એ તો હતા સંત હૃદય ગોસ્વામી તુલસીદાસજી. જે શરીરે અનેકનાં જીવન પ્યાલામાં અવનવા રંગ ભર્યાં હતા,જામ ઢોળ્યા હતા એ શરીર અને આત્મા અંતિમ સમયમાં પોતાના જીવનનો ખાલીપો ભરવા સંત શરણ શોધે છે. ગ્રાહકોની વાસનાએ વાસંતીને ઉપાસના તરફ વાળી દીધી હતી. વાસંતી તુલસીદાસજીને પોકાર કરે છે કે બાબા,એક વાર આવો અને મને અંત સમયમાં ‘વિનયપત્રિકાનું’એક પદ સંભળાવો. અરે બેટા,મારા બાપ,લે હું આવી ગયો છું. અને તુલસીદાસજી ગાઈ ઊઠે છે- ‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણં’...

     બનારસમાં આજથી ૫૦૦ વર્ષો પૂર્વે બનેલો આ પ્રસંગ આગામી તારીખ ૨૨-૧૨-૧૮ને દિવસે અયોધ્યામાં પુનરાવર્તિત થવા જઈ રહ્યો છે તે વાત આપની સાથે આજે કરવી છે. હા,એ દિવસે મોરારિબાપુ અયોધ્યામાં ‘માનસ-ગણિકા’વિષય પર કથા કરવા જઈ રહ્યા છે. ગણિકા જેવા વિષય પર કથા ? સમાજ હંમેશા જેને અછુત માનતો રહ્યો છે,જે અનેક અર્થોમાં ઉપેક્ષિત છે,જેનું જીવન એક કરુણાંતિકા છે,જેનો ક્યાંય સ્વીકાર નથી,જેનાં બાળકો સમાજમાં પુનઃ સ્થાપિત થવા ઝૂરે છે એવી ગણિકાઓનાં વિષય પર કથા ? બાપુ કહે છે કે જે વંચિત છે,ઉપેક્ષિત છે,જે તરછોડાયેલાં છે તેમનાં સુધી આપણે જવું પડશે. એમને સમાજની મૂળ ધારામાં પુનઃ સ્થાપિત કરવા પ્રયાસ કરવો પડશે.

     એક વખત ભગવાન બુદ્ધને પણ પૂછાયું હતું. ભગવન,આપ ગણિકાને ત્યાં,એક નર્તકીને ત્યાં ભિક્ષા લેવા જશો? ભિક્ખુઓ માટે આ સમાચાર અસહ્ય હતા. બુદ્ધ અને ગણિકાને ત્યાંથી ભિક્ષા લે ? આપણો પંથ,આપણો ધર્મ ખલાસ થઈ જશે. ભગવાન,આ તો બાજારુ મહિલા છે આપ ત્યાં ન જાવ. આવી અનેક નારાજગી,ટીકા ને નિંદા વચ્ચે ભગવાન બુદ્ધ એક ગણિકાને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરે છે. લોકો બહુ બોલ્યા ત્યારે બુદ્ધે કહેલું કે,‘એ સ્ત્રી તો બાજારુ છે,તમે શું છો? તમારી ભીતર તલાશ કરો. એ પ્રસિદ્ધ પાતકી છે તો તમે અપ્રસિદ્ધ પાતકી છો’ !

     આવી જ રીતે લોકો બાપુને પૂછે છે કે તમારા પ્રયાસોથી શું સમાજ સુધરી ગયો છે ? એમનો ઉત્તર પ્રેરક છે. એમણે કહ્યું છે કે,હું કોઈને સુધારવા નથી નીકળ્યો,સ્વીકારવા નીકળ્યો છું. અને કંઈ થાય ન થાય,મારા જીવનમાં તો મને એક સંતોષ મળશે કે મેં જીવનરૂપી તળાવમાં દુધનો લોટો રેડયો છે નહીં કે પાણીનો ! બાપુની વ્યાસપીઠ દ્વારા કેટલાએ વર્ષોથી છેક છેવાડાના માનવીઓ માટે કથાઓ થતી રહી છે જે જાણીતું છે. દેવીપૂજક સમાજ હોય,દલિત સમાજ હોય,એંડલાની વિચરતી- વિમુક્ત જાતિના ભાઈ-બહેનો હોય,કિન્નર સમાજ હોય કે પછી કોઈ પણ હોય,આ અનોખા અને અત્યંત સંવેદનશીલ માનવીનું હૃદય જાણે એમનાં માટે જ ધબકે છે. એ લોકોની પીડા,એમની અસહ્ય મનોવેદનાને રામકથાએ પિછાણી છે,ટેકો આપ્યો છે. ૨૦૧૬માં સુરતની રામકથા સમયે ૧૫૦થી વધુ સેક્સ વર્કર બહેનોએ બાપુને મળી પોતાની વેદનાઓથી અવગત કરાવ્યા હતા. કેવા અદકેરા અને પોતીકા ભાવથી એ બહેનો બાપુને મળી હશે? અને પરિણામ સ્વરૂપે બાપુએ સુરતની એ બહેનો માટે કાર્યરત એક સંસ્થાને એમનાં બાળકોનાં પુનઃવસન માટે આર્થિક સહાય મોકલી હતી.

     આ મુદ્દો,આ વાત વિચારવા જેવી છે કે કોઈ ગણિકા તો પરિસ્થિતિવશ પોતાના શરીરનો વ્યાપાર કરે છે. વિવધ માધ્યમો દ્વારા એમનાં જીવન સાથે જોડાયેલી વાતો જ્યારે જાણીએ છીએ ત્યારે દેખાય છે કે કેવા-કેવા ભયાનક સંજોગોને લીધે એ નાની બાળાઓ આ વ્યવસાયમાં ધકેલાઈ ગઈ હોય છે ! એથી એમને તો કેમ દોષ દેવો?

     ...પણ અન્યનું તો એક વાંકું,એવા ન્યાયે મારા ભાઈ આપણું શું ? બીજા માટે તો કદાચ કોઈ સાર્વત્રિક વિધાન ન કરી શકાય પણ મારું નિરીક્ષણ કરું તો નાનાં-નાનાં સ્વાર્થ માટે હું સત્યનો,જીવનમુલ્યોનો,ઉદ્દાત વિચારોનો અને એ અર્થમાં સ્વનો શું સોદો નથી કરી નાખતો? આપણા ગંદા હેતુઓને સાધવા માટે વ્યભિચારી નથી બની જતાં ? શું આપણો સમાજ કોઈને કોઈ રૂપે ગણિકાની જેમ જ વ્યાપાર નથી કરતો? આપણા મનોવ્યાપારો હીન નથી શું? અનેક સ્વાર્થી વ્યાપારોમાંથી આપણો ઉગારો ક્યારે? ભીતર છુપાયેલી ગણિકાનું શું? આનો જવાબ છે બાપુની કથા. એ સધિયારો પૂરો પાડે છે કે થયું તે થયું પણ હજી સમય છે,પાછા વળી જઈએ. ભગવાનની કથા શું આપે છે? ‘રામચરિતમાનસ’ના ઉત્તરકાંડમાં તુલસીદાસજી જાણે વચન આપે છે કે- पाई न केहिं गति पतित पावन राम भजि सुनु सठ मना | गनिका अजामिल ब्याध गीध गजादि खल तारे घना ||

     બાપુની રામકથા કોઈ વાર્તા નથી,પરંપરા નથી,ધર્મની ખોખલી વાતો એમાં નથી. એ તો આપણી અંદરના રામને ભજવાનો અવસર છે. ત્યાં આપણી મર્યાદાઓનો સ્વીકાર છે અને એમાં જીવનની સમસ્યાઓની ચાવી છુપાયેલી છે. આપણે માણસ છીએ અને એટલે ‘ભાઈ દડી પડવાનાં’ તે સત્યનો સ્વીકાર છે. પણ જાગ્યા ત્યાંથી જો સવાર કરવી હોય તો રામકથા હાજર છે. આગામી ૨૨મી ડિસેમ્બરે આ કથાને આપ આ દ્રષ્ટિએ નિહાળો તેવી પ્રાર્થના.

જયદેવ માંકડ