લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : સણોસરા

14th , November 2024

શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ : સણોસરા

     શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ માટે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ કેળવણીનું કેન્દ્ર બનેલ છે. સણોસરામાં શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' તથા શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ સાથે શ્રી નટવરલાલ બૂચ જેવા સમાજ શિક્ષણના પ્રેરણામૂર્તિઓએ લોક્ભારતીની ભેટ આપણને આપી છે.   
     રાષ્ટ્રની સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠ લોક્ભારતીની સ્થાપના ૧૯૫૩ના વર્ષમાં ૨૮ મેં વૈશાખી પૂનમ એટલે બુદ્ધ જયંતિના દિને શ્રી કાકાસાહેબ કાલેલકરના હસ્તે થઇ હતી. આ વર્ષના સમયગાળામાં જ તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદજીએ પ્રેરણાત્મક મુલાકાત લીધી તો ૧૯૬૪ના વર્ષમાં તત્કાલિન ઉપરાષ્ટ્ર્રપતિ શ્રી ઝાકીર હુસેનજીએ પણ મુલાકાત લઇ અહીંની નયી તાલીમથી પ્રભાવિત થયા.
     શિક્ષણની વિવિધ વિદ્યાશાખાઓં સાથે સામાજિક અર્થમાં તાલીમ કેન્દ્રો વગેરે જોઈએ તો લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, અનુસ્નાતક કેન્દ્ર, લોકભારતી અધ્યાપન મંદિર, સ્નાતક નયી તાલીમ વિદ્યાલય, પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર, ઘઉં સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકવિજ્ઞાન કેન્દ્ર, ગૌશાળા, બગીચો, ગ્રંથાલય વગેરે રહેલા છે. આ ઉપરાંત લોકભારતી અંતર્ગત પંડિત સુખલાલજી લોકવિદ્યાલય જે પાલીતાણા પાસે માઈધાર (માતૃધામ) ખાતે કાર્યરત છે. સંસ્થા દ્વારા ગ્રામવિકાસ કર્યો પણ થયા છે.
     સંસ્થાના પૂર્વસૂરીઓ શ્રી નાનાભાઈ ભટ્ટ અને શ્રી મનુભાઈ પંચોળી સહીત એ પછીના અને હાલના મોભીઓ સંસ્થાનું મૂલ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. લોકભારતી એ માત્ર શિક્ષણ આપી પદવીઓ આપી બેકારીઓની સંખ્યામાં વધારો કરવા માટે નહિ, પરંતુ અહીંનું શિક્ષણ એ ખરા અર્થમાં જીવનની કેળવણી બને તે માટેનું રહેલું છે.
     લોકભારતી દ્વારા ગ્રામવિકાસ અને ગ્રામ જીવનનો મૂળ સત્વ સુગંધિત બને તેવો અભિગમ હંમેશા રહ્યો છે. સમાજનીઆપદાઓમાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ જોળી ફેલાવી જે-તે ઘટનામાં સહાયભૂત થતા રહ્યા છે.
     સણોસરા પંથકમાં ઉનાળાના બળબળતા તાપમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સંકલનથી છાશ કેન્દ્ર ખોલી ગરીબ મજૂર વર્ગને શાતા મળે તેવું પૂણ્યનું કામ કરી રહેલ છે.
     લોકભારતીના વિદ્યાર્થીઓ આજુબાજુના કેટલાય ગામોમાં પોતાની શિક્ષણ કામગીરી અને અનુબંધના ભાગરૂપે  ખેતીવાડી,શિક્ષણ તેમજ લોકજાગૃતિ માટે નાના-મોટા કાર્યક્રમો અને શિબિરોના કરતા હોય છે.
     છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સર્જાયેલી કટોકટી સામે લોકભારતી દ્વારા ગ્રામવિકાસનું વિશેષ કાર્ય એટલે કે આડબંધ નિર્માણનું કામ કરી જળ સંગ્રહનું મોટું કામ થયું છે, જેનૉ આ પંથકને  સારોં લાભ થયો છે.
     આ સંસ્થાની લોક કલ્યાણની અને કૃષિ સંશોધનની સિદ્ધિને લઈને સરકારે અહીં જિલ્લા કક્ષાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પણ સ્થાપના કરી છે.
     લોકવિજ્ઞાન સંદર્ભે નિયામક અને લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના નેતૃત્વમાં અહીંના વિજ્ઞાન ભવનને ખાસ સંદર્ભ કેન્દ્ર તરીકે પણ સરકારે માન્યતા આપી છે.
     માત્ર શિક્ષણ નહિ પરંતુ, કેળવણી વડે સામાજિક ઉત્થાન થાય અને વ્યવહારુ જીવનનો આદર્શ દરેક વિદ્યાર્થીઓ વિકસે તે સાથે ખરા નાગરિક નિર્માણ થાય તે માટે લોક્ભારતીનો ધ્યેય રહેલો છે, જેનો લાભ સમાજને મળી રહ્યો છે.

(તા. ૨૫ -૧૦-૨૦૧૬)